આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જ્વાળામુખી:૪૩
 


‘એ તો સ્વાભાવિક વસ્તુ છે. વાસનાને તિરસ્કારવી એ તો જીવનને તિરસ્કારવા બરોબર છે.' તરિકા બોલી.

'જ્યાં સુધી આખી જીવનવ્યવસ્થા સ્વાભાવિક ન બને ત્યાં સુધી વાસના પણ સ્વાભાવિક ન કહેવાય. હું ભણેલા ગુજરાતને મોગલાઈ વિલાસ અને રજવાડી રંગરાગ તરફ પાછાં પગલાં ભરતો જોઉ છું.’ પરાશરે કહ્યું.

‘તમે ક્યાંના રહીશ છો ?' તારિકાએ પૂછ્યું.

‘ખાસ માન ઉપજાવે એવું સ્થાન નથી.' પરાશરે કહ્યું.

'તમને તો કશા પ્રત્યે માન હોય એમ લાગતું નથી.' રંભાએ કહ્યું.

'ખરું છે.'

'છતાં તમે કાલે અમારી સભામાં આવશો તો ખબર પડશે કે અમારો કાર્યક્રમ કેવો ઘડાય છે !’ વિની બોલી.

‘કયી સભા ?' પરાશરે પૂછ્યું.

'Young Intellectualsની.'

‘એનું ગુજરાતી નામ પણ ન જડ્યું ?' પરાશરે પ્રશ્ન કરી સભાને હલકી પાડવાનું સૂચન કર્યું.

‘એવી પ્રાન્તિકતા શા માટે ?’

‘મહારાષ્ટ્ર અને બંગાળાને પૂછો. એમની પ્રાન્તિકતાએ હિંદને ગુજરાત કરતાં વધારે મોટા માણસો આપ્યા છે.' પરાશરે કહ્યું.

‘તમે ત્યાં આવીને ગુજરાતી નામ શોધી આપજો.’ રંભાએ જવાબ આપ્યો.

‘પરાશર ! તમે હજી શોભનાને ઓળખતા નથી, ખરું ?' તારિકાને તેના સમૂહમાં તેજસ્વી લાગતી વ્યક્તિનું સ્મરણ થયું.

‘હું ઘણાં ઓળખાણમાં માનતો જ નથી.’

‘તમે રહો છો. ક્યાં ?' રંભાએ પૂછ્યું.

‘તમને ન ગમે એવું એ સ્થાન છે.'

'છતાં હું આવીને તમને તેડી જઈશ.’

‘તો હું તમને મકાન બતાવતો જાઉં, જોયા પછી ન આવો એમ તો નહિ કરો ને ?' પરાશરે ગાડીની બાજુ બદલાવી રંભાને પૂછ્યું.

‘વર્તમાન યુવતી નિર્ભય છે એટલું પુરવાર કરવા ખાતર પણ અમે આવીશું.' વિનીએ કહ્યું. અને સારા સ્વચ્છ રસ્તાઓ મૂકી ગાડી સહજ અંધારાવાળા, સાંકડા અને અસ્વચ્છ, ભયપ્રદ રસ્તાઓ તરફ વળી.