આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અગ્નિપ્રવાહ:૫૭
 

પરાશરે રોટલાનો કકડો કર્યો અને તેણે ઓરડી નજીક ચંપલના પડઘા સાંભળ્યા. બારણામાં જ રંભા આવી ઊભેલી દેખાઈ.

‘આવું કે ?’ રંભાએ પૂછ્યું.

'હા જી, આવો.' પરાશરે કહ્યું.

રતનને જોઈ રંભા જરા અટકી, રતન પણ જરા વિચારમાં પડી.

‘જમ્યા નથી ?’ રંભાએ પૂછ્યું.

‘ના. આજે મોડું થઈ ગયું.’

'અને આવું જમો છો ?’

‘શું ખોટું છે ? હિંદની વસ્તી સાથે એકતા અનુભવું છું.’ પરાશરે હસીને કહ્યું અને રંભાને ખાટલા ઉપર બેસાડી.

રંભાને પરાશરના જીવનમાં ભયંકર ભેદ દેખાયો. પરાશર ખરેખરો સામ્યવાદી છે ? રતન પાસે રંધાવીને શા માટે જમે છે ? આવી સાદાઈ, ગરીબી અને ગલીચીમાં તે શા માટે રહે છે ?

'રોજ આમ જમો છો ?’ રંભાએ પૂછ્યું

‘ના, વીશીમાં જતો હતો; પરંતુ એ વધારે મોજીલું ખાણું હતું. આજથી આ રતનની રસોઈ જમવાનો છું.’

'રતન કોણ?'

‘એક મિત્ર, કોમરેડ, એને હું આજથી ભણાવવાનો છું.’

‘એમ ?'

‘હા. અને હું તો આજની તમારી સભામાં કહેવાનો પણ છું કે સહુ મારા એ કામમાં મને સહાય આપે.'

‘હું તૈયાર છું; રોજના બે કલાક આપી શકીશ.’ રંભાએ કહ્યું.

‘અને અહીં આવી શીખવી જશો ?’

‘આપણા કેન્દ્રમાં આવે તો હું જરૂર શીખવું.’

‘આપણાં કેન્દ્ર બદલી નાખીએ, આપણે જ તેમના કેન્દ્રમાં જઈ વસીએ. મેં એમ જ કર્યું છે.'

પરાશર જમી રહ્યો એટલે ગુપચુપ ઢાંકણી લઈ રતન ઓરડીમાંથી ચાલી ગઈ. રંભાએ પરાશરની ઓરડીમાં નજર ફેંકી. ખાટલો અને મચ્છરદાની એ જ માત્ર શોખનાં સાધન તેને દેખાયાં. તે સિવાય સાદાં ખાદીનાં કપડાં, પુસ્તકો અને એક પેટી તથા ચટાઈ એટલાં જ સાધનો વ્યવસ્થિત - અર્ધવ્યવસ્થિત પડેલાં દેખાયાં. રંભા અમુક અંશે સમજી ગઈ કે પરાશર કોઈ પણ રીતે સામ્યવાદના આદર્શોંનો પ્રચાર કરવા માટે આ