આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨: શોભના
 

થાઓ.' તરિકાએ આજ્ઞા કરી.

'હું તૈયાર જ છું.’ પરાશરે કહ્યું.

‘બીજાં કપડાં નથી પહેરવાં ?’ રંભાએ પૂછ્યું.

'ના જી.’ પરાશરે જવાબ આપ્યો.

‘તમને કલાનો શોખ જ નથી કે શું ?'

‘બહુ જ શોખ છે.’

‘તો જરા ઘાટદાર કફની તો પહેરો !’ રંભાએ હસીને કહ્યું.

‘ઘાટદાર ?’ પરાશરે પૂછ્યું અને રંભા, વિની તથા તારિકાનાં વસ્ત્રો અને મુખશૃંગાર તરફ જરા તાકીને તે જોઈ રહ્યો. પાતળી રંગીન ચૂંદડીઓ, તંગ તથા હાથને સમૂળ ખુલ્લા રાખતા કબજા, ખભે અડકતાં કર્ણફૂલ કે કણલંગર, મુખ ઉપર પથરાયલા ધવલ લેપ, અને નખ ઉપરની રુધિર રંગી રતાશના ખ્યાલમાં તે ઘાટ એટલે શું એનો વિચાર કરવા લાગ્યો.

ત્રણ નિર્વસ્વત્ર બાળકીઓ બારણા આગળથી પસાર થઈ. તેમની પાસે - તેમનાં માતાપિતા પાસે બાળકીઓના દેહને ઢાંકવા પૂરતું વસ્ત્ર ન હતું. દેહને ઢાંકવાની જરૂર છે ? સંસ્કારી યુવતીઓએ દેહને ઢાંક્યા હતા કે દેહનાં દૃશ્યોને ઢાંકવાને બહાને ખુલ્લાં કર્યા હતાં ?

વિની પાસેથી આયનો લઈ તારિકાએ મુખ સમાર્યું.

‘ઘાટદાર !’ પરાશર મનમાં બોલી ઊઠ્યો. ફાટેલાં વસ્ત્રને સીવવા મથતી બે વૃદ્ધ સ્ત્રીઓ ઓસરી ઉપર બેઠી હતી. પરાશરને ખબર હતી કે આ ફાટેલાં વસ્ત્ર સિવાય નહિ ત્યાં સુધી મર્યાદા લોપવાના ભયે કેટલીક મજૂરણો વસ્ત્ર વગર ઓરડીઓમાં સંતાઈ રહી હતી - અગર સંતાઈને ઘરકામ કર્યો જતી હતી.

'હવે ચાલો, તમારી વર્ષગાંઠને દિવસે હું તમને એક રેશમી કફની ભેટ આપીશ.’ વિનીએ કહ્યું.

‘એ રેશમી નહિ પહેરે...' રંભા બોલી. ‘ખાદી તો ભાઈ આપણાથી સિવાય નહિ. એને માટે તો સોય નહિ પણ કાંશ જોઈએ.’

તાળું વાસ્યા વગર પરાશરે બારણું બંધ કર્યું. ચારે જણ Young Intellectualsની સભામાં જવા નીકળ્યાં. ડાઘાવાળી, બેડોળ, ગંદી ચાલીમાંથી સ્વચ્છ, ચકચકતી, ઘાટદાર મોટરકારમાં ચારે જણ અદૃશ્ય થઈ ગયાં.