આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પાછળનો બંદોબસ્ત કરતા બધા આગળ વધ્યા.

પાટણ સાથેનો સંબંધ તૂટી ન જાય, એ માટે પંચમહાલ જીતીને એને કબજે કર્યો હતો. ત્યાંના બળવાન ભીલોને લશ્કરમાં લીધા હતા. ને ગોધરા (ગોદ્રહક) માં સૂબા તરીકે મહાઅમાત્ય કેશવને મૂક્યો હતો.

તકેદારીઓ પૂરી રાખી હતી, પણ જીતનાં નિશાન હજી ક્યાંય દેખાતા નહોતાં.

મહારાજ સિદ્ધરાજની એક-એક પળ અત્યંત દોહ્યલી વીતતી હતી.

જીત ન મળે તો સામી છાતીએ લડીને પ્રાણ આપી દેવા, પણ વિજય મેળવ્યા વગર ગુજરાત પાછા ન ફરવું એ ગુર્જરપતિનો નિર્ણય હતો. પરાજય લઈને એમને પાટણનું પાદર જોવું નહોતું. કાં જીત, કાં મોત !

આ વિચારો ચાલતા હતા, ત્યાં પાટણથી રાજકવિ શ્રીપાલ રાજમાતા મીનલદેવીના મૃત્યુનો સંદેશો લઈને આવ્યા.

આ કારી ઘા હતો.

બે ક્ષણ મહારાજ અવાક્ બનીને બેસી રહ્યો : ન રડ્યા, ન કંઈ બોલ્યા.

માણસ શોકના પ્રસંગે કંઈક બોલે તો મન હળવું થાય; રડે તો દિલ ખાલી થાય. નહિ તો શોકના ભારથી માણસ ત્યાં ને ત્યાં દબાઈ જાય

કવિ શ્રીપાલને તો શોક હળવો થાય એ પ્રકારની વાતો કરવા માટે મોકલવામાં આવ્યા હતા; પણ જ્યારે વાતો જ ન થાય પછી બીજું શું થાય ?

આકાશમાં ભરી વાદળી આવીને થંભી જાય, અને પછી ન વરસે, ન ચાલી જાય, ત્યારે કેવો અકળામણભર્યો બફારો થાય છે ! ક્યાંય ચેન ન પડે !

મહારાજ સિદ્ધરાજને એવું થયું. એમણે વધારે કંઈ ન પૂછ્યું. ફક્ત એટલું જ બોલ્યા :

'કવિરાજ ! નિશાન તો બધાં નમતાં લાગે છે, પણ હું માતા મીનલદેવીનો પુત્ર છું. જાણું છું કે મધરાતનાં ઘોર અંધારાં પૃથ્વી પર ન ઊતરે, તો પ્રભાત ન ફૂટે. માણસે ભાગ્યને રોવું ન જોઈએ. માણસનું ભાગ્ય માણસ જ ફેરવી શકે છે, ન કે ગ્રહ-નક્ષત્ર !'

કવિએ પૂછ્યું : 'આપના હૈયામાં શોક તો નથી ને ?'

યા હોમ કરીને પડો ᠅ ૮૭