આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કર્યું છે. જયદેવ અને પદ્માના પ્રેમનું તેમાં કરેલું નિરૂપણ તેમની સર્જનશક્તિના વિશિષ્ટ ઉન્મેષરૂપ છે .

તેમણે કિશોરોને મસ્ત જીવનરસ પાય એવી ‘જવાંમર્દ' શ્રેણીની સાહસકથાઓ આપી છે, જે આપણા કિશોરસાહિત્યમાં કીમતી ઉમેરારૂપ છે.

તેમના સંખ્યાબંધ વાર્તાસંગ્રહોમાં 'માદરે વતન', કંચન અને કામિની', 'યાદવાસ્થળી', 'પારકા ઘરની લક્ષ્મી’, ‘પ્રેમપંથ પાવકની જ્વાલા', ‘શૂલી પર સેજ હમારી' વગેરે સંગ્રહો ધ્યાનપાત્ર છે. જેમાંની ઉત્કૃષ્ટ વાર્તાઓનો સંચય હવે પ્રસિદ્ધ થઈ રહ્યો છે. તેમની ટૂંકી વાર્તા લખવાની પદ્ધતિ સીધી, સચોટ અને કથનપ્રધાન હોય છે.

વાર્તાકાર તરીકેની તેમની બીજી વિશિષ્ટતા જૂની પંચતંત્ર શૈલીમાં તેમણે લખેલી જૈન, બૌદ્ધ અને હિંદુ ધર્મની પ્રાણીકથાઓમાં પ્રતીત થાય છે. દીપકશ્રેણી અને રત્નશ્રેણી પણ લોકપ્રિય થયેલી છે. જથ્થો અને ગુણવત્તા બંનેમાં 'જયભિખ્ખુ'નું બાળસાહિત્યક્ષેત્રે પ્રદાન માતબર છે. સચોટ સંવાદો, સુંદર તખ્તાલાયકી અને ઉચ્ચ ભાવનાદર્શનને કારણે એમણે લખેલાં નાટકો રેડિયો અને રંગભૂમિ ઉપર સફળ પ્રયોગ પામેલ છે.

તેમણે શ્રમણ ભગવાન મહાવીરનું 'નિગ્રંથ ભગવાન મહાવીર’ નામનું ચરિત્ર આપેલું છે. શૈલીની સરળતા, વિગતોની પ્રમાણભૂતતા અને વસ્તુની ભવ્યોદાત્ત પ્રેરકતાને કારણે એ કૃતિ ઉચ્ચકોટિની સાહિત્યિક પ્રતિષ્ઠા પામેલી છે. જયભિખ્ખુના વિપુલ સાહિત્યસર્જનમાંથી ચયન કરીને એમનું ઉત્કૃષ્ટ સાહિત્ય નવા રૂપે પ્રકાશિત થાય છે, તેનો આનંદ છે.

ધર્મ જીવનવ્યાપી હવા છે. તેને કલાની મોરલીમાંથી ફૂંકવાની ફાવટ બહુ થોડા લેખકોમાં હોય છે. ‘જયભિખ્ખુ' એ કાર્ય પ્રશસ્ય રીતે બજાવી શક્યા હતા. અનેક સાંપ્રદાયિક સંકેતોને તેમણે પોતાની સૂઝથી બુદ્ધિગમ્ય બનાવી આપ્યા છે. ધર્મકથાના ખોખામાંથી લેખકની દીપ્તિમંત સૌષ્ઠવભરી કલ્પના વૃત્તિઓના સંઘર્ષથી ભરપૂર પ્રાણવંતી વાર્તા સર્જે છે અને વિવિધરંગી પાત્રસૃષ્ટિ ઊભી કરે છે. આપણું ધર્મકથાસાહિત્ય પ્રેરક અને રસિક નવલકથા માટે કેટલા મોટા પ્રમાણમાં કાચો માલ આપી શકે તેમ છે તેનું નિદર્શન મુનશીની નવલકથાઓની માફક જયભિખ્ખુની પૌરાણિક નવલકથાઓ પણ કરી રહી છે.

१०