આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

થોડી વારમાં જંજીરોથી બાંધેલા માલવપતિને હાજર કરવામાં આવ્યો. માળવાના રાજાઓ શ્રી, સરસ્વતી અને શૂરવીરતા માટે પંકાયેલા હતા. એમની સંસ્કારિતા જગજાણીતી હતી.

'મહામંત્રી ! મારી પ્રતિજ્ઞા છે કે માલવપતિની ચામડીનું મ્યાન કરીને મારી તલવારને ચઢાવીશ'

મહામંત્રીએ કહ્યું : 'આપે પ્રતિજ્ઞા લીધી એ વખતે માલવપતિ નરવર્મા હતા. એમણે આપની પ્રતિજ્ઞાથી બચવા યમનું શરણ લીધું. યમ તો દેવના દેવ છે !'

મહારાજાએ કહ્યું : 'પણ મંત્રીરાજ ! મારી પ્રતિજ્ઞા ?'

મહામંત્રીએ કહ્યું : 'પૂરી થઈ ગઈ. ચામડી શું. આપે તો આખો દેહ લઈ લીધો. અને વળી રાજામાત્ર દેવનો અંશ છે. આપણે ત્યાં કેદ થયેલા રાજાને મારવાની મનાઈ છે !'

મહારાજ સિદ્ધરાજ વિચારમાં પડી ગયા.

માલવપતિએ કહ્યું : 'રાજા ! લડાઈમાં જીત અને હાર, એ તો નસીબની વાત છે. પણ શૂરા પુરુષોને હાર એ મોત બરાબર છે. હું મરી ચૂકેલો છું. આ દેહને જેમ કરવું હોય તેમ કરી શકો છો.'

'મારી પ્રતિજ્ઞા ન તૂટે !' મહારાજ સિદ્ધરાજે ફરી કહ્યું.

'હું રાજાના પગની થોડી ચામડી લઈને મ્યાનમાં મઢાઈ લઉં છું : ગુજરાતના રાજાઓ ત્યાગ, આત્મભોગ અને ઉદારતાથી વસુધાને જીતે છે ! પિતાના અપરાધે પુત્રને દંડ ન હોય. દાનો દુશ્મન શત્રુના પુત્રને પોતાના પુત્ર સમ લેખે. ગુજરાતની મન-મૃદુતા એ કહે છે.' મહામંત્રીએ કહ્યું.

'માલવપતિને મુક્ત કરો ! હું એમની સાથે મિત્રતા બાંધું છું. સાંજે અમે અમારા મહેમાન માલવપતિ સાથે પાટણ જોવા નીકળશું.'

'ધન્ય ! ગુર્જરેશ્વર, ધન્ય ! ચારે તરફથી પડઘા પડ્યા.

એ પડઘા શાંત થતાં મહામંત્રીએ કહ્યું : 'મહારાજ ! સિદ્ધસરોવર સંપૂર્ણ થયું છે. પાણીનું દુ:ખ ટળ્યું છે; પણ કામ કરનારાઓને મહેનતાણું આપવાનું બાકી છે. એમનું ઇનામ પણ બાકી છે.'

અવંતીનાથ સિદ્ધરાજની ઉદારતા ᠅ ૯૯