આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

'ઓહ ! ધન્ય છે એ કન્યાને ! અને ધિક્કાર છે એ શ્રેષ્ઠીપુત્રને ! પરધનની બાબતમાં, પરસ્ત્રીની બાબતમાં મારા પટ્ટણીઓ અવિવેક કરે, તે કદી સાંખી ન લેવાય. જાઓ, બધાંને અહીં હાજર કરો. યોગ્યને ઇનામ અને અયોગ્યને સજા થશે.'

થોડીવારમાં સગાળશા શેઠ, હસ્તમલ્લ ને કન્યા હાજર થયાં. મહારાજ સિદ્ધરાજે કન્યાને કહ્યું :

'બહેન ! પાટણમાં કોઈ સ્ત્રીને સતાવે એ તો મારો ગુનો; હું તારી માફી માગું છું !'

'મહારાજ !' કન્યાએ નીચું મોં રાખતાં કહ્યું : 'મને કોઈએ સતાવી નથી. પાટણની સ્ત્રીઓ પોતાની રક્ષા કરવાનું પોતે જાણે છે. મહારાજ ! સગાળશા શેઠ મારા સસરા છે !'

'તો હસ્તમલ્લની તું પત્ની છે ?' મહામંત્રીને આશ્ચર્ય થયું. 'તારા તરફથી ખોટી ફરિયાદ આવી હતી ?'

'જી હા. વધારે વાત મારા સસરા કેહશે.'

સગાળશા શેઠે આગળ આવીને હાથ જોડતાં કહ્યું :

'મહારાજ ! આપ યુદ્ધમાં હતા. રાજનો ખજાનો ખાલી થઈ ગયો હતો અને મંત્રીઓ અમારું દ્રવ્ય લેવા તૈયાર નહોતા. કામ ખોરંભે પડે તેમ હતું. અમે જાણતા હતા કે આ સરોવરનું કામ આપને મન રણસંગામ જેટલું મહત્ત્વનું હતું. આ માટે મેં યુક્તિ કરી. આ કન્યા મારી પુત્રવધૂ છે. હસ્તમલ્લ મારો પુત્ર છે. બંનેને વ્રત છે કે સિદ્ધ-સરોવરના આરે આપના પગ પખાળીને પછી સંસારમાં પ્રવેશ કરવો.'

'ઓહ, મંત્રીરાજ ! કેવી મહાન મારી પ્રજા ? સગાળશા શેઠ ! તમારી ભાવનાને વંદન છે, અને શરમ છે મારી ભાવનાને ! મારું નામ આપવા માટે મેં કેવી હેરાનગતિ ઊભી કરી ! આ સરોવરનું નામ સિદ્ધસરોવર નહિ પણ મીનલસર !'

'મહારાજ ! મરતાં માતા મીનલદેવીએ સરોવરના આરે સોમનાથનાં મંદિર બનાવવાનું કહ્યું છે. એક હજાર અને આઠ મંદિર નોંધાઈ ગયાં છે. એમણે કહ્યું છે કે માણસનું નામ ખોટું છે; સાચું નામ શિવનું છે.' મંત્રીરાજે કહ્યું.

અવંતીનાથ સિદ્ધરાજની ઉદારતા ᠅ ૧૦૧