આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

'સાચી વાત છે, મંત્રીરાજ ! એક વાતનો અમલ કરો : જેમ સરોવરનો વિચાર મેં કર્યો અને કર્યું પ્રજાએ, એમ દેરીઓનો વિચાર ભલે પ્રજાનો રહ્યો. પણ દેરીઓ કરે રાજ ! માલવાના ધનને એ રીતે સફળ કરો ! અને સરોવરનું નામ ?..... '

મહારાજ થોડી વાર વિચારમાં પડ્યા.

અને પછી કંઈક પ્રેરણા થતી હોય તેમ બોલ્યા : 'આ સરોવરનું નામ સહસ્ત્રલિંગ સરોવર.'

આખા દરબારમાં જયજયકાર થઈ રહ્યો. સગાળશા શેઠે એ વખતે કહ્યું : 'મહારાજ ! હવે આપ રોવરની પાળે પધારો !'

'શાબાશ, સગાળશા શેઠ ! જનતાનાં કામ તો શિવનિર્માલ્ય કહેવાય. ચાલો, હું તમારાં પુત્ર ને પુત્રવધૂના પગ પખાળું ! જેની પ્રજા આટલી મહાન હોય, એનો રાજા કેવો જોઈએ !'

'મહારાજ ! નેવનાં પાણી મોભે ન ચડે ! જય અવંતીનાથ !'

મહારાજા સિદ્ધરાજ સિંહાસનેથી નીચે ઊતર્યા.

પગપાળા પાટણની શેરીઓ વીંધીને મહારાજ સરોવરે ગયા. આખો દરબાર પાછળ-પાછળ ચાલ્યો.

એ દિવસે સરોવરનાં પાણી સિદ્ધરાજના ચરણસ્પર્શથી પુલકિત બન્યાં. સહસ્ત્રલિંગનું નામ પામી સરોવર અમર થઈ ગયું.

૧૦૨ ᠅ સિદ્ધરાજ જયસિંહ