આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

'હાજી. વરસોથી પાટણની પાઠશાળાઓમાં ભોજ વ્યાકરણ ચાલે છે. એ વ્યાકરણ ભણીને પંડિત થયેલા આપણે ત્યાં અનેક જણા છે.'

'ખરેખર ! માણસ માટે અમર થવાનો આ સાચો માર્ગ છે. રાજા ગમે તેવો હોય, પણ પોતાના રાજમાં પૂજાય છે, જ્યારે વિદ્વાન તો જગતમાં પૂજાય છે.'

'મહારાજ ! એ ભોજરાજાના બનાવેલા અનેક ગ્રંથો છે એમાં 'સરસ્વતી કંઠાભરણ' નામનો એક ગ્રંથ છે. આ ગ્રંથ પણ પાટણની પાઠશાળામાં વિદ્યાર્થીઓ ભણે છે. આપ પાઠશાળાના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને જે સુવર્ણકંકણની બક્ષિસ આપો છો, એ વિદ્યાર્થીઓ આ ગ્રંથો ભણેલા હોય છે.' ગ્રંથપાલે વધુ વિગત આપતાં કહ્યું.

'ઓહ ! માત્ર સમશેર કંઈ નથી. સરસ્વતી જોઈએ. માણસ તો જ અમર થાય. તલવારના વિજયો આજ થાય, કાલ ભૂંસાઈ જાય. એમાં તો બળિયાના બે ભાગ. પણ વિદ્વત્તા તો એવી છે કે લૂંટાવાથી વધે છે. ચોરાવાથી ચાર ગણી થાય છે. વારુ, ગ્રંથપાલ ! બીજા ક્યા કયા ગ્રંથો છે ?'

'મહારાજ ! લગભગ તમામ વિદ્યાઓના ગ્રંથો છે. માલવાના વિદ્યાર્થીઓને એ માટે બીજાનું મોં ન જોવું પડે એ માટે-અનેક પ્રકારના ગ્રંથો રચાયેલા છે. આ ચિકિત્સાશાસ્ત્ર છે. એમાં વૈદવિદ્યા છે. આ વાસ્તુશાસ્ત્ર છે. મકાનની બાંધણી વિષે એમાં છે. આ ઉદયસિદ્ધિ નામનો ગ્રંથ છે. એમાં જ્યોતિષ વિષે છે. આ સ્વપ્નશાસ્ત્ર છે. આ સામુદ્રિકશાસ્ત્ર છે. આ નિમિત્તશાસ્ત્ર છે. આ અધ્યાત્મશાસ્ત્ર છે. લગભગ વિદ્યાની બધી શાખાઓનાં પુસ્તકો છે.' ગ્રંથપાલે કહ્યું.

'આ બધું ભોજ રાજાએ બનાવેલું ?'

'ના, કેટલુંક પોતે અને બીજાં બીજા પંડિતો પાસે તૈયાર કરાવેલું. રાજ્યે એમાં મદદ કરેલી. રાજ્યની મદદ વગર આવાં કામ ન થાય.' ગ્રંથપાળે કહ્યું.

મહારાજા સિદ્ધરાજ આ સાંભળી થોડીવાર વિચારમાં પડ્યા, પછી ધીરેથી બહાર નીકળ્યા. એમના ચિત્તમાં ચેન નહોતું.

અરે ! મારો વિજય હાર જેવો છે. કલે મારો વિજય ભુલાઈ જશે. ને આ વિદ્યાગ્રંથો ભોજનું નામ અમર રાખશે. શું કરું હું ?

૧૦૪ ᠅ સિદ્ધરાજ જયસિંહ