આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આંતરડાં નીકળીને પગે વીંટાયાં છે, માથું ખભા પર ઢળી પડ્યું છે; છતાં પણ હાથમાં ખડગ છે : એવા મારા કંથ પર વારી જાઉં છું.[૧]

મહારાજને આ દુહા સાંભળી સાક્ષાત્ સરસ્વતીના અવતાર જેવા મહાન આચાર્યને મળવાની તાલાવેલી લાગી. થોડી વાતચીતમાં પણ ગુજરાત માટે કંઈક કરી છૂટવાની એમની ભાવનાનાં દર્શન થયાં.

મહારાજ તરત સર્વાવસરમાં ગયા. મંત્રીઓને તેડ્યા, મહામુનિને તેડ્યા. સહુએ આવી જતાં મહારાજાએ પોતાના દિલની વેદના ઠાલવતાં કહ્યું :

'હું ગુજરાતને વિદ્યાભૂમિ બનાવવા ચાહું છું. મારા દેશની પાઠશાળાનાં બાળકો માલવાના રાજાનાં વ્યાકરણો ને ગ્રંથો ભણે, એ મારી જીતને હું હાર બરાબર ગણું છું. આચાર્યવર્ય શ્રી.હેમચંદ્ર આ બાબતમાં ઘણું કરી શકે. હું તેઓને ગુજરાતના વિદ્યાગુરુ બનવા પ્રાર્થના કરું છું. હું પણ તેઓને ચરણે બેસી વિદ્યાભ્યાસ કરીશ. વિદ્યામાં વય કે લિંગ જોવાતાં નથી.'

'રાજન્ ! તમે ભોજ વ્યાકરણ જોયું લાગે છે !' મહાન ગુરુહેમચંદ્રાચાર્યે કહ્યું, 'રાજા ભોજનું એ અક્ષર જીવન અપૂર્વ છે. એની એ જીતને કોઈ પણ મહારથી હારમાં પલટી નહિ શકે. માળવાના અજેય કોટકાંગરા મહારાજ સિદ્ધરાજ તોડી શક્યા, પણ આ કિલ્લો ભેદવો દુર્લભ છે.'

'એવી અપૂર્વતા અહીં સરજી ન શકાય ?' સિદ્ધરાજે વિનંતીના સૂરે કહ્યું.

'શા માટે નહિ ? પણ એમાં એક્લદોક્લનું કામ નથી. રાજની મદદ જોઈએ. રાજે પણ એક યુદ્ધ જેટલું ખર્ચ કરવું પડે. મારા ઉપાશ્રયમાં એ કામ મારી રીતે ચાલુ જ છે. હું લખાવું છું, ને લહિયાઓ લખે છે. પઠન-પાઠન ને લેખન સાધુઓનો નિજ ધર્મ છે.' આચાર્યે કહ્યું.

'આપ કહો તે મદદ કરવા રાજ્ય તૈયાર છે. આજ્ઞા આપો તો હું લહિયો થઈને લખવા બેસવા તૈયાર છું. સિદ્ધરાજ હવે યુદ્ધમાં ખર્ચ નહિ કરે, વિદ્યામાં ધન વાપરશે.'

ગુર્જરેશ્વરની આ ભાવનાનો પડઘો આચાર્યશ્રીના દિલમાં પડ્યો. રણશૂરા ને દાનશૂરા ઘણા રાજવીઓ હતા; પણ તેઓ જેવો વિદ્યાશૂર રાજા શોધી રહ્યા હતા, તેવો રાજા સાંપડી ગયો હતો.


  1. સોરઠી, દુહા, જેને દશમો વેદ કહેવામાં આવે છે, એનું મૂળ આ અપભ્રંશ દુહાઓમાં છે.
૧૦૬᠅ સિદ્ધરાજ જયસિંહ