આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

શંકર કહે : 'એમ દુનિયામાં બધાંનાં દુ:ખ દૂર કરતાં ફરીએ તો આપણા દુ:ખનો પાર ન રહે ! અને તમે સ્ત્રીઓ તો વાતવાતમાં ઢીલી પડનારી !'

પણ આ તો પાર્વતીની હઠ ! લીધી મૂકે નહિ.

એ તો ભમરો થઈને શંકરજીની જટામાં પેસી ગયાં. શંકરને પાર્વતી વગર એક પળ પણ ન જાય. એમને લાગ્યું કે પોતે પાર્વતી વિના પાગલ બની જશે.

એમણે કહ્યું : 'અરે પાર્વતી ! શું તમારો સ્વભાવ ! લીધી લપ છોડવાનાં જ નહિ. જુઓ ! આ ઝાડની છાયામાં જ એ ઔષધ છે. બળદને ખવરાવશે એટલે પાછો માણસ બની જશે.'

પાર્વતી આ સાંભળી જટામાંથી નીકળી બહાર આવ્યાં.

બંને વાર્તાવિનોદ કરતાં-કરતાં કૈલાસમાં ચાલ્યાં ગયાં.

પેલી બાઈએ આ વાત સાંભળી. પણ વૃક્ષની છાયા મોટી છે. ને નાનીમોટી અનેક વનસ્પતિ ત્યાં ઊગેલી હતી.

કયું ઝાડપાન ગુણકારી ? કઈ વનસ્પતિ હિતકારી ? એ તો મૂંઝાઈ ગઈ. અરે, આટલું કહ્યું ને આટલું ન કહ્યું. ચોક્કસ નામ આપ્યું હોત તો કમ કેવું સરલ થઈ જાત ! બાઈએ બુદ્ધિ દોડાવી. કોઈ એક વનસ્પતિ શોધવી નકામી હતી. એણે પહેલાં દોરીથી વૃક્ષની છાયા માપી લીધી. પછી એમાં ઊગેલી વનસ્પતિ ચૂંટી-ચૂંટીને બળદને ખવરાવવા લાગી.

કઈ ચોક્કસ વનસ્પતિ ગુણ કરે, એની ખબર નહોતી; પણ ધીરેધીરે બધી વનસ્પતિઓ આવી ગઈ.

ખાતાંની સાથે બળદ પુરુષ થઈ ગયો.

બાઈ રાજી થઈ. પુરુષે પૂછ્યું : અરે ! આ કેમ થયું ?'

સ્ત્રી કહે : 'હું કંઈ જાણતી નથી. ચોક્કસ વનસ્પતિ જાણતી નહોતી એટલે આ બધી ભેગી કરીને તમને આપી.'

આટલી વાત પૂરી કરતાં આચાર્ય કહ્યું :

'જેમ અજાણી અનેક ઔષધીઓથી ધાર્યું કાર્ય સિદ્ધ થયું, એમ કલિયુગમાં મોહથી વિવેકજ્ઞાન ઢંકાઈ ગયું છે; માટે સર્વ ધર્મનું ભક્તિથી અજાણતાં પણ આરાધન કરતાં એ કલ્યાણ કરે છે, એવો મારો મત છે.'

મહારાજા સિદ્ધરાજ આ સાંભળી ખૂબ રાજી થયા.

ધર્મઝનૂનીઓની જીમ સિવાઈ ગઈ.

᠅ સિદ્ધરાજ જયસિંહ
 
સર્વ ધર્મ સમાન ᠅ ૧૧૭