આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

'લે યાર તો ત્રીજું ! ને ચતુર્ભુજે વળી ત્રીજું પાન આપ્યું. સિદ્ધરાજે પાન ખાધું. પછી તો ખરેખરી દોસ્તી જામી ગઈ.

નાટક પણ બરાબર જામ્યું હતું.

ચતુર્ભુજ ચણાવાળાએ મહારાજના ખભે હાથ મૂક્યો. ભાર એટલો દીધો કે જેવાતેવાના તો ખભા તૂટી જાય, પણ મહારાજને તો એ ભાર કંઇ વિસાતમાં નહોતો.

ખેલ પૂરો થયો ને ચણાવાળો અને મહારાજ છૂટા પડ્યા. જુદા પડતી વખતે વળી ચતુર્ભુજે કપૂરી પાનનું બીડું આપતાં કહ્યું :

'ભાઈ સિંહરાજ ! મળવું હોય તો બપોરે ઘેર આવજે. ફોફળ શેરી અને ચતુર્ભુજ ચણાવાળો-આટલું કહીશ, તો રસ્તે જતું છોકરું પણ ઘર બતાવશે. પાટણની મોજ માણવા જેવી છે.'

'જરૂર. કાલે જરૂર મળીશ.'

બંને જણા રામરામ કરીને છૂટા પડયા.

રાત પૂરી થઈ. આખી રાત નાટક ચાલ્યું. ખેલના દીવા સૂરજદેવે આવીને બુઝાવ્યા. દિવસનો ઉદય થયો

મહારાજા સિદ્ધરાજ નિત્યકર્મ કરી સર્વાવસરમાં રાજસભામાં આવ્યા. રાજસભાને એ વખતના લોકો સર્વાવસર કહેતા.

મહારાજે સર્વાવસરમાં આવતાંવેંત સિપાઈને કહ્યું :

'ફોફળવાડીમાં રહેતા ચતુર્ભુજ ચણાવાળાને બોલાવી લાવો !'

સિપાઈઓ દોડ્યા. સૌને થયું : નક્કી, આજે ચણાવાળાનું આવી બન્યું. જરૂર મહારાજની નજરમાં એ બટકબોલો આવી ગયો. આજ ચતુર્ભુજ (હાથે-પગે દોરડાં બાંધીને ચાર ભુજા કરે તે) ચતુર્ભુજ બનશે !

સિદ્ધરાજ અજાણ્યા ગુનેગારોને આ રીતે પકડતા. જે ગુનો શોધતાં અને જે ગુનેગારને પકડતાં અમલદારોને અને સિપાઈઓને દિવસો લાગતા, એ બધાને મહારાજ ચપટી વગાડતાં પકડી પાડતા.

થોડીવારમાં ચણાવાળો હાજર થયો. એણે સિંહાસન પર બિરાજેલા મહારાજ સિદ્ધરાજ સામે જોયું ને એના મોતિયા મરી ગયા :

અરે, પેલો પરદેશી સિંહરાજ બીજો કોઈ નહિ, પણ ગુજરાતના ધણી મહારાજ સિદ્ધરાજ પોતે ! અરે, મેં ક્વો અવિનય કર્યો ! સિદ્ધરાજને ઉંદરરાજ કહ્યો !

ચના જોર ગરમ ᠅૧૨૩