આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

'હજૂર, અરજ ગુજારવા. પાટણના દરબારમાં ઘણા આંટા ખાધા, પણ મને કોઈએ પેસવા ન દીધો. હમ ગરીબોં કા કૌન હૈ?' ખતીબે કહ્યું.

'ખંભાતમાં તેં તારી ફરિયાદ ન કરી ?'

'ના હજૂર ! મને સહુએ કહ્યું કે એ બધા અંદરથી મળેલા છે, તને ન્યાય નહિ મળે. સીધો પાટણ પહોંચ. ન્યાય આપે તો મહારાજ આપે !'

'સારું ! શું તારી ફરિયાદ છે.' મહારાજાએ કહ્યું. એમની મોટી-મોટી આંખોમાં હિંગળોકની લાલાશ આવીને ભરાઈ હતી.

‘હજૂર ! જાનની અમાનત મળે તો કહું.' ખતીબે કહ્યું.

'રાજા સિદ્ધરાજના રાજમાં તારો વાળ પણ વાંકો નહિ થાય. અદલ ઇન્સાફ એ મારું વ્રત છે.'

'હજૂર ! એ જાણું છું. ગુજરાતના બાદશાહની એ આબરૂ મુલ્કમશહૂર છે. ગરીબનવાજ ! ખંભાતના દરિયાકાંઠે આવેલા એક પરામાં અમે રહીએ છીએ. મૂળ તો ગાયમાંથી ઝગડો જાગ્યો. ભારે તોફાન થયું. એંશી માણસો માર્યાં ગયાં; અમારાં ઘરબાર જલીને ખાખ થયાં ! હવે અમારા માટે તો ઉપર આસમાન અને નીચે જમીન રહી છે. મુસલમાનો આપની પાસે અદલ ઇન્સાફ માગે છે. હજૂર ! અને ખતીબે પોતાની કમર પર રહેલો કાગળ આગળ ધર્યો. એમાં લખ્યું હતું.

'મેં હું મુસલમાં ખંભાતકા, ખતીબ મેરા નામ,
આયા હું અરજ ગુજારને, સુનો ગરીબનવાજ !
સુનો ગરીબનવાજ ! ગુર્જરનાથ ગુણવાન,
ખંભાતકે મુસલમાન પર, હુઆ જુલ્મ અપાર,
મકાન-મસ્જિદ સબ ગયા રહે નહીં કુછ પાસ,
ઇન્સાફ કરો સુલતાન તુમ, યહી એક અરદાસ.'

મહારાજાએ અરજી વાંચી. એટલામાં મહારાજાના અંગરક્ષકો એમને શોધતા-શોધતા ત્યાં આવી પહોંચ્યા. તેઓએ દૂરથી રાજાને સલામત જોઈ બૂમ પાડી : ઘણી ખમ્મા ગુર્જર ચક્રવર્તી મહારાજને !'

'કોણ, શિવસિંહ ?' અંગરક્ષકની ટુકડીના આગેવાન શિવસિંહને

૧૨૮ ᠅ સિદ્ધરાજ જયસિંહ