આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

'આપ પાંસઠ કોસ ઊંટ પર ગયા ?

'માત્ર પાંસઠ કોસ શા માટે ? જતાં-આવતાંના એથી બમણા કહો ને ! પણ મને કદી તનનો થાક લાગતો નથી. હંમેશાં મનનો થાક લાગે છે. મારા રાજમાં વાઘ-બકરી એક આરે પાણી પીવે, ત્યાં નાની કોમ પર આ અન્યાય ? તમને બધાને કદાચ ધર્મના, કર્મના, નાત-જાતના વાડા હોય, પણ રાજા તો બધા વાડાથી પર ! એ પોતાના ધર્મને પાળે, બીજાના ધર્મને જાળવે.'

વૃદ્ધ દરબારીઓએ કહ્યું :

'મહારાજ ! અમે અમારી જાત માટે શરમ અનુભવીએ છીએ. આપની તપાસમાં શું માલુમ પડ્યું ?'

'ખંભાતમાં હું અંધારપછેડો ઓઢીને બધે ફર્યો. ગલીએ-ગલીએ ફર્યો. મુસલમાન લોકોને મળ્યો. દરેક કોમના લોકોને મળ્યો. એમની સાથે મેં વાતચીત કરી.

'આખરે મને જણાયું કે અગ્નિપૂજક પારસી સાથે તમામ હિંદુ કોમોનો એમાં સાથ હતો. એટલે બધી કોમના બબે આગેવાનોને બોલાવી તેમનો દંડ કર્યો.'

'ધન્ય ગુર્જરેશ્વર, ધન્ય !' બધા દરબારીઓ બોલી ઊઠ્યા.

'કુતુબઅલી !' મહારાજાએ સાદ દીધો.

'જાહાંપનાહ !'

'તમારાં મસ્જિદ અને મિનાર દરબારી ખર્ચે સમરાવી દેવામાં આવશે. ને વસ્તી ફરી વસી શકે તેવો પૂરતો બંદોબસ્ત થશે.'

'ખુદા આપને ઉમરદરાજ કરે મહારાજ !'ખતીબે કહ્યું.

'પણ જુઓ ખતીબ ! પાડોશીની સુંવાળી લાગણીઓને પણ સમજતાં શીખજો. સંસારમાં પડોશીધર્મથી મોટો કોઈ ધર્મ નથી.'

'જી હજૂર !'

'અને જગતને જાહેર કરજો કે ખુદાની નજરમાં જેમ હિંદુમુસ્લિમ એક છે, એમ ગુર્જરેશ્વરની નજરમાં પણ પ્રજા તરીકે હિંદુ-મુસ્લિમ એક છે.'

આખો દરબાર આ જુવાન રાજા પર વારી ગયો.

૧૩૪ ᠅ સિદ્ધરાજ જયસિંહ