આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

લાંબી મૂછો .

ખભે ગેંડાની ઢાલ. કમરે બેધારી તલવાર. હાથમાં ભાલો. કેડે ચારપાંચ છરા.

અવાજ ખોખરો. ચીસ પાડે તો ઝાડ પરથી બીને પંખી નીચે પડે. કાચાપોચાની તો છાતી ફાટી જાય.

દોડવામાં ભલભલા અરબી ઘોડાને આંટે ! એની પાછળ પચીસ-ત્રીસ માણસો. કોઈના હાથમાં ભાલો. કોઈના હાથમાં ડાંગ. કોઈના હાથમાં તલવાર. કોઈના હાથમાં લાકડાની વાંકી કાતી. તાકીને કાતીનો ઘા કરે તો માણસ, ઘોડો કે ઊંટના પગનો નળો તોડી નાખે. ન હલાય કે ન ચલાય.

જે લોકોએ એને જોયો, એ ડરથી ચીસ પાડીને ઊભી પૂંછડીએ ભાગ્યા. ખેડૂતોએ ખેતર મૂક્યાં. ગોવાળોએ ઢોર મૂક્યાં. ચોકીદારોએ ચોકી મૂકી.

બધા બૂમો પાડતા ગામ તરફ ભાગ્યા,

'એ બાબરો ભૂત આવ્યો ! ભાગજો રે !'

ગામના ચોરામાં મદારસંગ બાપુ બેઠા હતા. સામે ડાયરો બેઠો હતો. સામસામો અમલ લેવાતો હતો. રંગછાંટણાં થતાં હતાં. એકબીજાની મરદાઈ ગવાતી હતી.

અદકપાંસળો ભગલો હોકો ભરતો હતો; ચલમમાં દેવતા મૂક્તો હતો.

બાપુનો હોકો આજ બરાબર જામતો નહોતો. એ વારંવાર ભગલાને કહેતા હતા : 'ગોલકીના ! દેવતા બરાબર નથી. લાકડાં ખરાબ છે. ભારાવાળાને બોલાવજે. ડચ્ચ લઈને ડોકું ઉડાડી દઉં ! મદારસંગ બાપુને એ ઓળખતો લાગતો નથી.'

ભગલો કહે : 'બાપુ ! અંગારા તો બરાબર છે, પણ તમાકુ બરાબર નથી.'

બાપુ કહે : 'ઈ વાણિયા તલકચંદને પકડી લાવજે. આવી તમાકુ આપનારને ગરદન મારવો પડે.'

વાતવાતમાં બાપુ ભગલાને ગાળ કાઢે. ગાળ કંઈ કોઈને ગમે ? ભગલાનેય ગમે નહિ. પણ ભગલો ડરે. ગરબડ કરે તો બાપુ તલવાર તાણે અને દૂધી પરનું ડીંટું કાપે, એમ એનું માથું કાપી લે !

૨ ᠅ સિદ્ધરાજ જયસિંહ