આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

 બાબરો કહે : 'તમને અભેવચન. તમે લેવા જોગ છો, હું આપવા જોગ છું. ચાલો આગળ થાઓ, ને માલમિલક્તવાળાનાં ઘર બતાવો !'

ગામ માથે જાણે જમની સેના ઊતરી !

એક ક્લાકમાં તો ગામને સાવ સાફ કરી નાખ્યું. પૈસાવાળાઓનો મારી મારીને સોથ બોલાવી દીધો. જેમણે આપવાની આનાકાની કરી, એમની આંગળીએ ગાભા વીંટ્યા, તેલમાં બોળ્યા ને સળગાવ્યા ! જીવતી મશાલ જોઈ લો !

બધા પૈસાવાળાએ બે હાથ જોડ્યા. પગમાં પડ્યા. ઘરમાં હતું તે બધું કાઢીને આપી દીધું. જીવ બચ્યો એટલે બસ !

બાબરા ભૂતે ગામ લૂંટીને કોથળા ભર્યા. કુંભારનાં ગધેડાં લાવી તેના પર ચઢાવ્યા.

પછી ચોરે ડાયરો ભર્યો. કોળીની સ્ત્રીઓ પાસે ગવરાવ્યું.

બાબરો તો દેવ ગણાય. સોરઠના બાબરિયાવાડનો ધણી. હજાર-હજાર માણસ એની પાછળ નીકળે. સવારે સોરઠમાંથી નીકળે. બીજી સવારે આખી ગુજરાતને આંટો મારી, ધનદોલત લૂંટીને ઘર ભેગો. એને પૂછે, એને ભગવાન પૂછે.

એના ચમત્કરોની કંઈ કંઈ વાતો ચાલે. બાબરો સિદ્ધ ગણાતો. કોઈને મસાણમાં મડદા પર બેસી મંત્ર ભણતો દેખાય. કોઈને આકાશમાં ઊડતો દેખાય. આ બાબરાનાં માણસોએ મૂળરાજદેવે બંધાવેલો સુંદર રુદ્રમહાલય તોડેલો. સરસ્વતીના કંઠા પર એની હાક વાગે. ભલભલા એનાથી ડરે.

આ ગામની ડોશીઓ બાબરાની પાસે બાધા છોડવા આવી; સુખડીના થાળ લાવી, શ્રીફળના હારડા લાવી ને ઘીની છલકતી કટોરીઓ લાવી.

'ખમ્મા કરજો, બાબરાદેવ ! તમારું રાખ્યાં રહીશું. મારો દીકરો સાજો થશે, સવામણની સુખડી ચઢાવીશ.'

વળી કોઈ કંઈ તો કોઈ કંઈ : એમ જાતજાતની માનતા લઈને આવ્યાં !

કંઈ કેટલી સુખડી !

૬ ᠅ સિદ્ધરાજ જયસિંહ