આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

બાબરો આવી યુદ્ધવિદ્યાઓમાં સિદ્ધ હતો. એણે એક અજબ દાવ લીધો.

સરત ચુકવીને તલવારનો એવો વાર કર્યો કે સિંહના હાથમાંથી તલવાર જુદી ! એ દૂર જઈને પડી !

બસ, ખેલ ખતમ ! હમણાં જયસિંહ ખલાસ ! સોએ વરસ પૂરાં.

પણ જયસિંહે સિંહની જેમ ઊછળીને છલાંગ દીધી. બાબરા ભૂતને કેડમાંથી બે હાથે પકડી લીધો. પકડ્યો તે કેવો ? જરાય ચસ કે મસ થઈ ન શકે.

બાબરો કહે : ‘તું નીતિવાન છે. મારી પાસે ઘોડી નહોતી, તેથી તું ઘોડીથી ઊતરી ગયો, ઘોડી છોડી દીધી. તારી પાસે તલવાર નથી, હું પણ તલવાર છોડી દઉં છું. આપણે મલ્લકુસ્તી કરીએ !'

કુસ્તી ચાલી. ક્યાં પહાડ જેવો બાબરો ને ક્યાં નવજુવાન જયસિંહ ! ક્યાં વનનો વાંસ ને કયાં રાજબાગનું ફૂલ !

પણ વાહ રે જયસિંહ ! તારી માએ જન્મ દીધો પ્રમાણ ! એણે કુસ્તીનો એવો અટપટો દાવ લીધો કે બાબરાને ચાર ખાના ચીત પછાડ્યો. કૂદીને ઉપર ચઢી બેઠો ને ગળે ચીપ દીધી !

બાબરાના ભારે ડિલમાંથી પરસેવો છૂટી ગયો. મોમાંથી ફીણ નીકળી ગયાં.

સિંહના બચ્ચાએ આખરે મદમસ્ત હાથીને હરાવ્યો.

જયસિંહ ગળે ચીપ દેતાં બોલ્યો : 'બોલ, મારી પ્રજાનું હવે લોહી પીશ !'

'રાજા ! તારી ગાય છું. મારું અભિમાન ગળી ગયું. મને માફ કર. હું તારો ગુલામ.'

'એમ નહિ. મને ખાતરી કરાવ.'

આ વખતે બાબરાની વહુઓ આવી પહોંચી. તે બોલી :

'અમારો ધણી કાલીભક્ત છે, મા કાલીની એના પર મહેર છે. એ સિદ્ધ છે. પણ તું સિદ્ધોનો રાજા લાગે છે. આજથી તું સાચો સિદ્ધરાજ. અમે તારાં ગુલામ. મા કાલીના સોગન ખાઈને કહીએ છીએ, અમે નીતિથી રહીશું, તમારી મદદ કરીશું ને જીવના જોખમે પણ તમારું કામ કરીશું.'

પાટણનું પાણી હરામ ᠅ ૧૭