આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

બંબભાટ આગળ વધ્યા; ત્રિપુરુષપ્રાસાદ નામના મંદિર પાસે આવીને ઊભા રહા ને બોલ્યા :

‘ભીમદેવને મૂળરાજ નામનો કુંવર. મૂળરાજ ભારે પ્રજાપ્રેમી. ગુજરાતમાં દુકાળ પડ્યો. ખેડૂતો માથે ત્રાસ વર્ત્યો. ખેડૂતોનું દુ:ખ રાજકુંવરથી જોયું ન ગયું. 'મૂળરાજ કુંવરે ઘોડાની કળાથી પિતાને ખુશ કર્યા. પિતાએ મન ચાહે તે માગવા કહ્યું.

'મૂળરાજે ખેડૂતોનો ભાગ માફ કરવા કહ્યું. કહે છે કે મીઠા રાજાને મીઠી નજરો લાગી. આ પછી કુંવર મૂળરાજ નાની વયમાં મરી ગયો. બીજે વરસે વરસાદ સારો થયો, ખૂબ પાક ઊતર્યો.

'ખેડૂતો બે વર્ષનો રાજ-ભાગ લઈને આવ્યા. ભીમદેવે એ ન લીધો. આખરે એ ધનથી ભલા મૂળરાજની યાદમાં શિવનું આ દહેરું બાંધ્યું. એનું નામ ત્રિપુરુષપ્રાસાદ અને આ કર્ણમેરુ પ્રાસાદ.'

બંબભાટે વાતમાં ઝડપ કરી :

'ભીમદેવને બીજા બે દીકરા હતા : ખેમરાજ અને કરણ.'

'ખેમરાજ ભગવાનનો માણસ હતો. એણે રાજ લેવાની ના પાડી, પ્રભુભક્તિમાં જીવન ગાળ્યું. આ પછી કરણદેવ ગાદીએ આવ્યો.'

'કરણદેવે ભીલ-કોળીનો ત્રાસ ટાળ્યો. કર્ણાવતી નગરી વસાવી. કરણદેવ મીનલ નામની દક્ષિણની રાજકુંવરી સાથે પરણ્યા. 'મીનલ દક્ષિણ દેશના કર્ણાટક રાજા જયકેશીનાં પુત્રી. ભારે ચતુર, ભણેલાં અને મહત્ત્વાકાંક્ષી. આ મીનલદેવીને પેટે જયસિંહનો જન્મ થયો. કુંવર નાનો હતો અને કરણદેવ ગુજરી ગયા. મીનલદેવી રાજકાજ ચલાવવા લાગ્યાં. હવે પુત્ર જયસિંહ યોગ્ય ઉંમરનો થતાં તેને ગાદી આપી.

નવો રાજા પોતાના પ્રદેશમાં તોરણ બાંધવા નીકળ્યો. એ રીતે રાજનાં ગામોનો પરિચય થાય.

'અને હવે મેંદીનો રંગ લાગ્યો – આ સધરા જેસંગમાં ! આવતી વહુ ને બેસતો રાજા ! પહેલે પગલે એણે નામ અમર કર્યું ! બાબરો જીત્યો !

'બોલો બર્બરકજિષ્ણુ સિદ્ધરાજની જે !'

પાટણનું પાણી હરામ ᠅ ૨૫