આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મામો માર્યો
રાજા સિદ્ધરાજ તો રાજકાજમાં પડી ગયા છે : ખાવું પછી, પીવું પછી, પહેલું રાજકાજ.
આજ હાથીઓની સેનાની પરીક્ષા લે છે; કાલે અશ્વસેનાની ખબર લે છે; આજ ખજાનો તપાસે છે, તો કાલે કચેરીમાં ફરે છે !
દિવસે આરામનું નામ લેતા નથી. રાતેય અડધી રાત પહેલાં ઊંઘવું હરામ !
મહામંત્રી સાંતૂ સામે બેઠા છે. બાપદાદાના વારાના મંત્રી છે. ભારે વિશ્વાસુ છે. એમના વચન પર ફૂલ મુકાય છે. મહામંત્રી વિક્રમચરિત્ર વાંચે છે. વાંચતા વાંચતાં ડોલે છે.
રાજા કહે છે : 'મંત્રીરાજ ! રાજા તો વિક્રમ થયો, બાકી બધી વાતો.'
સાંતૂ મંત્રી કહે : 'લોકો આપને વિક્રમનો નવો અવતાર માને છે.'
સિદ્ધરાજે કંઈ જવાબ ન આપ્યો. થોડી વાર એ વિચારમાં બેસી રહ્યો : પછી બોલ્યો :
મામો માર્યો ᠅ ૨૯