આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

એકેકો દીવો બળે છે; કરોડે ધજા ફરકે છે : એવો અહીંનો રાજનિયમ છે.

આ પછી શૂરા સામંતો છે. સંધિ-વિગ્રહમાં ચતુર એલચીઓ છે.

થોડે દૂર રાજમાતા મીનલદેવી બેઠાં છે. હમણાં એમણે રાજકાજમાંથી છુટ્ટી લીધી છે. ભગવાનને ભજે છે ને યાત્રાઓ કરે છે. છતાં નજર બધે રાખે છે !

સિંહાસનની પાછળ ન કળાય એ રીતે બાબરો બેઠો છે. એ બોલતો નથી, વાત કરતો નથી. એ તો મહારાજ સિદ્ધરાજનો પડછાયો છે. સિદ્ધરાજથી ડરે એના કરતાં માણસો એના પડછાયાથી વધુ ડરે છે !

બાબરો સિદ્ધ છે. વાવ એક દહાડામાં બાંધે. સરોવર કે કિલ્લા બાંધવા એને મન રમત ! એનું ય પોતાનું લશ્કર - હજારોની સંખ્યામાં. કોઈ શિલ્પી, કોઈ કડિયા, કોઈ કામદાર. એ લશ્કરને કહ્યું કે એક રાતમાં રસ્તો બાંધો; તો બીજે દિવસે રસ્તો તૈયાર !

સભા હકડેઠઠ ભરાઈ છે. બંદીજનો ગીત ગાય છે. ચારણો કવિત કરે છે. કવિઓ કલ્પનાને રમાડે છે !

સિદ્ધરાજ આનંદથી બેઠો છે. એના મનમાં પોતાના રાજમાં શું શું કરવું, એના વિચારો ચાલે છે. સાવજ સાથે વગર હથિયારે બાખડે એવા પટણી યોદ્ધાઓને નીરખી એનું મન હરખાય છે. જમ સાથે જુદ્ધ કરે એવા મંત્રીઓને જોઈને ગર્વ અનુભવે છે.

વાહ મારું ગુજરાત ! ગુજરાત કંઈ થવું છે ! ભલી મારી ભોમકા !

ત્યાં પાટણના પૂર્વ દરવાજાનો ચોકિદાર ભારસિંહ આવ્યો. સાત પેઢીથી એના વંશમાં દરવાનપદ ચાલ્યું આવતું હતું. આવ્યો એવો એ ભૂમિ પર પડી ગયો. એના શરીરમાંથી લોહીના ફુવારા ઊડતા હતા.

'ભારસિંહ ! શું છે ?' મહાઅમાત્ય સાંતૂએ કહ્યું.

'મહારાજ ! પાટણનું નાક કપાયું, મારું જીવન ધૂળ મળ્યું !' ભારસિંહ બોલ્યો.

'પાટણનું નાક કાપનાર પૃથ્વી પર હજી જન્મ્યો નથી.' સિદ્ધરાજ તલવાર ખેંચીને ખડો થઈ ગયો. એના મોં પર લોહીની શેડો ફૂટી રહી.

'મહારાજ પાટણનો પૂર્વ દરવાજો તૂટ્યો. એ દરવાજો પાટણનું નાક

૪૦ ᠅ સિદ્ધરાજ જયસિંહ