આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કરે. ગ્રહરિપુ નામનો સોરઠનો એક રાજા યાત્રાળુઓને બહુ હેરાન કરતો. મૂળરાજદેવે સોરઠ પર ચઢાઈ કરી ગ્રહરિપુને ઠાર મારેલો.'

'એ જ પરાક્રમી પિતામહોનો તું પુત્ર છે, વત્સ ! સોમનાથ તારા દેવ છે. આતતાયીનો નાશ એ તારો ધર્મ છે.' મીનલદેવી વચ્ચે બોલ્યાં. એ પોતે હમેશાં મૌન સેવતાં, પણ પ્રસંગે આવાં નીતિવચનો બોલતાં.

'મા ! એમાં મને નહિ કહેવું પડે. સિહણનાં સંતાન શિયાળ ન હોય !' સિદ્ધરાજે કહ્યું. એમાં ભક્તિ હતી, દૃઢતા હતી. ‘હા મંત્રીરાજ, આગળ કહો.'

'મહારાજ ! એ પછી પેઢીનાં વેર બંધાયાં, આખરે રા' નવઘણ ગાદીએ આવ્યો. ગુજરાતમાં કંઈ ને કંઈ ધમાલ કર્યા કરે. એક વખત અમે એને નળકાંઠાની બાજુ પાંચાળમાં ભિડાવ્યો, ઘોડેથી નીચો પાડયો ને તલવાર આંચકી લીધી. રાજાને બનતાં સુધી ન મારવો, એ આપણી જૂની નીતિ છે. એટલે મોંમાં તરણું લેવરાવી એને છૂટો કર્યો.'>*[૧]

'શાબાશ ! તમે પાટણની પ્રતિષ્ઠાને છાજે તેવું કામ કર્યું. હાં પછી ?...' સિદ્ધરાજે વાત આગળ જાણવાની ઇંતેજારી જાહેર કરી. 'રા' નવઘણ પાછો ફર્યો, પણ બોલતો ગયો કે પાટણનું નાક ન કાપું તો મારું નામ નવઘણ નહિ. વેર-ઝેર તો ભારે ઊભાં થયાં. ગુજરાત અને સોરઠના લોકોના દિલમાં ગાંઠો પડી ગઈ, પણ ઝેર-વેરના વાવનારા જાણતા નથી કે ઠાકર એનાં લેખાં લે છે : રા'નવઘણને એકાએક જમનાં તેડાં આવ્યાં.' મંત્રી વાત કરતા થોભ્યા.

સિદ્ધરાજે વચ્ચે કહ્યું : 'કેટલાક મૂર્ખ રાજાઓ એમ માને છે કે પોતે અમરપટો લખાવીને આવ્યા છે.'

મંત્રીરાજે વાત આગળ ચલાવતાં કહ્યું : 'મરતી વખતે એણે કુંવરોને બોલાવીને કહ્યું કે પાટણનું નાક કાપે એ મારી ગાદી લે. મહારાજ ! પાટણ સામે લડવું એ બચ્ચાંના ખેલ નથી, એ બધા જાણતા હતા. પણ એનો નાનો દીકરો ખેંગાર ભારે જબરો, ભારે સાહસિક, ભારે જવાંમર્દ ! એણે પ્રતિજ્ઞા લીધી. મરતા બાપના મોંમાં પાણી મૂક્યું. એણે કહ્યું : 'હું પાટણનું ને સિદ્ધરાજનું બંનેનું નાક કાપીશ.


  1. *આ પ્રસંગ સિદ્ધારાજ સાથે બનેલો, એમ પણ કહેવાય છે, અને એનું વેર રહી ગયેલું.
૪૨ ᠅ સિદ્ધરાજ જયસિંહ