આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

'એટલે એણે આજ આ કામ કર્યું ? પણ વારુ, જો આમ હતું તો અત્યાર સુધી આપણે કેમ બેસી રહ્યા ? રોગ અને શત્રુને તો ઊગતા ડામવા જોઈએ.' સિદ્ધરાજે પ્રશ્ન કર્યો.

'કોઈ બેસી રહ્યું નથી, બેટા !' મીનળદેવી વચ્ચે બોલ્યાં : 'અગિયાર અગિયાર વાર ચઢાઈ લઈ ગયા, પણ પાછા પડ્યા. દેશ ભારે વંકો, પાણીની ભારે તંગી, એટલે આપણું સૈન્ય સોરઠના રાજાના હાથે માર ખાતું.'

'એમ કે ?' સિદ્ધરાજ એટલું બોલી ચૂપ થઈ ગયો. એનું માથું સ્થિર થઈ ગયું. થોડી વારે એણે દૃઢતાપૂર્વક કહ્યું :

'તો સોરઠની ચઢાઈની આગેવાની હું લઉં છું. આજે જ બધે ખબર આપી દો. અને...'

સિદ્ધરાજે પોતાની નજર પાછળ ફેરવતાં કહ્યું :

'મિત્ર બર્બરક ! જુદ્ધ માટે માર્ગ સરળ જોઈએ. પુરવઠાનો ને પાણીનો પ્રબંધ જોઈએ. જરૂર પડે ત્યાં કિલ્લા બાંધો. આપણું લશ્કર એટલે સુધી જઈને કિલ્લામાં આરામ લે. વળી પછી આગળ વધે. વળી આરામ લે. આ માટે પહેલો વઢવાણનો કિલ્લો તાબડતોબ બાંધો. રસ્તે વિસામા ને વાવ બાંધો. તમારાં બધાં માણસોને એ કામે વળગાડી દો !'

બાબરાએ આગળ આવી મસ્તક નમાવ્યું. એને બોલવાનું તો હોય જ શું? તરત હુકમની તામીલ કરી લીધી.

આખા પાટણમાં રાતોરાત તૈયારીઓ થઈ ગઈ. ઠેર-ઠેરથી સૈનિકો આવવા લાગ્યા. ઝડપ એ તો સિદ્ધરાજનો મૂલમંત્ર હતો.

મહારાજ સિદ્ધરાજનું આ પહેલું યુદ્ધ હતું. નાનો પણ રાઈનો દાણો હતો. એના બુદ્ધિ-બળમાં અને અજેયતામાં બધાંને વિશ્વાસ હતો.

બાબરો તો ક્યારનો વિદાય લઈ ગયો હતો, અને એની ભૂતસેનાએ ભારે કામ આદરી દીધું હતું.

ક્યાંક એક રાતમાં રસ્તા થઈ જતા.

ક્યાંક બે રાતમાં વાવ ગળાઈ જતી. વાવમાં મીઠાં પાણી છલકતા. ચાર રાતમાં વિસામા તૈયાર. લશ્કર માટે અન્નના ભંડાર ઠેરઠેર ભર્યા મળે.

ખેંગારે નાક કાપ્યું ᠅ ૪૩