આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ગુજરાતની કુંવરી સોરઠમાં આવી, એ જાણે વિજયની પહેલી નિશાની આવી.

લોકો 'ગુજરાતની રાણી'નો જયજયકાર કરવા લાગ્યા. આનંદ-ઉછરંગ ચાલવા લાગ્યો.

દારૂના બધા ખાસ શોખીન. દારૂ ભરરંગમાં ઊડવા લાગ્યો.

સમાચારો આવ્યા કે સધરો જેસંગ જાતે ચડ્યો છે. મોટી દરિયા જેવી સેના સાથે છે. વચ્ચે વઢવાણમાં એણે કિલ્લો બાંધ્યો છે, ત્યાં આરામ લેવા થોભ્યો છે.

બાબરો ભૂત મદદમાં છે !

એક રાતમાં જળનું સ્થળ ને સ્થળનું જળ કરે છે !

ખેંગાર હસીને બોલ્યો :

'એનાથી કંઈ ન વળે. એ જયસિંહ મારો ગિરનાર જોશે કે એની છાતી ફાટી જશે. એવો ડુંગર એણે બાપદાદામાં એકવાર પણ જોયો નહિ હોય !'

‘હા, હા, બાપુ ! અને એને હારવાની ક્યાં નવાઈ છે ? અગિયાર-અગિયાર વાર તો હાર્યો, અને આ બારમી વાર ! નાકકટ્ટાને પછી કપાવવાનું શું?'

ત્યાં બીજો ગુપ્તચર આવ્યો. એણે સમાચાર આપ્યા કે, 'સધરો જેસંગ વઢવાણથી આગળ વધ્યો છે.'

ખેંગાર કહે : 'એ ગીધડાથી તો ગિરનારના ગઢની કાંકરી પણ ખરવાની નથી. લહેર કરો. અરે, લાવો સુરા ! અરે, દેસળરાજ, અરે, વિસળરાજ, ભરો કટોરા !'

'હુકમ, મામાશ્રી !' દેસળે કટોરા ભર્યા.એક ઉપર એક ઊડવા માંડ્યા.

'અને મામા ! મારાં ગુજરાતી મામીને નહિ ? એણે દાખનો દારૂ જોયો નહિ હોય.'

'અરે, જા, જા, જઈને મારી ભેટ આપી આવ ! આજ મારાથી મહેલે નહિ આવી શકાય. કહેજે કે મારા મામાએ સમ આપીને સુરા મોક્લી છે.'

દારૂએ દાટ વાળ્યો ᠅ ૪૭