આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સાળવીની હાટોમાં સાળો પર પાટણના પટોળાં વણાતાં હતાં, ને દેશીડાની ઘટે કપૂરિયાં, કસ્તૂરિયાં, ચોકડિયાં, દાડમિયાં, પટોળાં, ઘરચોળાં, હંસવડી, ગજવડી, પાંભડી ને લોબડી વેચાતાં હતાં.

'માણસ પહેલાં પહેરે કે પહેલાં પીએ ? કપડાં ગમે તેટલાં સારાં હોય, પણ સ્નાન વિના શે શોભે ?' જીવરાજ બબડ્યો.

'પાણી જ પરમેશ્વર ભાસે છે.' મોટા અસવારે કહ્યું.

સાબૂગરને ત્યાં સાબૂ, ભૂતડો, ધોળી માટી, પીળી માટી, ગેરુ, અરીઠાં, આંબળાં, ચીકાખાઈ વગેરે વેચાતાં હતાં.

'પાણી વગર એ તમામ નકામાં-એકડા વિનાનાં મીડાંની જેમ !' જીવરાજ બબડ્યો અને પાટણની શોભા જોતો રાજમહેલમાં પ્રવેશ્યો. સાથેનો અસવાર ડેલીએ ઊભો રહી ગયો.

જીવરાજે અંદરના ખંડમાં પ્રવેશ કર્યો કે રાજમાતા મીનળદેવી સામે જ ઊભાં હતાં.

'બેટા જયસિંહ !' માતાએ કહ્યું : 'કુશળ છે ને ? તારી જ રાહમાં હતી : મારે એક વાત કરવી છે.'

જેને આપણે જીવરાજ સમજતા હતા, એ રાજા સિદ્ધરાજ પોતે હતો. પોતાના પ્રદેશનો પ્રવાસ ખેડીને એ પાછો ફરતો હતો.

'મા ! મારે પણ તને દુ:ખની એક વાત કહેવી છે.'

'દીકરા ! પહેલી તારી વાત, પછી મારી વાત.' માતાને પડછંદ પરાક્રમી સિદ્ધરાજ હજી નાનો જ લાગતો. ‘તું તો મીનલની મહત્ત્વાકાંક્ષાઓનું જીવતું સ્વરૂપ છે.'

'મા ! પટણીઓ હવે કુંવારા રહેશે. પાટણના કૂવા હવે ગોઝારા થશે.'

'કાં, બેટા ?'

'પાટણમાં પાણીનું દુ:ખ છે. હવેથી કોઈ માબાપ પોતાની દીકરી પાટણમાં નહિ પરણાવે. પરણેલી વધૂઓ કંટાળીને કૂવા પૂરશે. અને મા.. ખેડૂતો પણ ખેતી છોડીને ભાગી જશે; તલવાર લઈ ચાકરી નોંધાવશે. મા, તલવાર કંઈ જળ-અન્ન ઉપજાવી શકે ખરી ? પ્રજાનું પેટ પૂરી શકે ખરી ?'

૫૬ ᠅ સિદ્ધરાજ જયસિંહ