આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રસ્તાવના
(પ્રથમ આવૃત્તિ પ્રસંગે)

ગુજરાતને ઘડનાર અને ગુજરાતના સુવર્ણયુગના એક મહાન સમર્થ રાજવીની આ કથા છે. જેવા મહારાષ્ટ્રે શિવાજી મહારાજ છે, એવા જ ગુજરાતે મહારાજ સિદ્ધરાજ જયસિંહદેવ છે. કોઈ વાતે કોઈથી ઊણા-અધૂરા નથી.

ઊણપ કે અધૂરાશ હોય તો ગુજરાતીઓની; ગુજરાતના લઘુતાગ્રંથિથી પીડાતા માનસની ! પરગુણને પહાડ કરીને અને સ્વગુણને પરમાણુ કરીને જોવાની દૃષ્ટિની. આપણે આજ સુધી ઘણી ઘણી ઊજળી છબીઓને કાળી કરી છે. મીનલદેવી જેવી સતીને ભ્રષ્ટ ચીતરી છે; સિદ્ધરાજ જેવા મહાન રાજવીને નમાલો બતાવ્યો છે : ઇતિહાસકારોએ માથામાં હથોડા ઠોકે તેમ ઠોકીને બતાવ્યું છે કે રાણકદેવી તરફ સિદ્ધરાજની કૂડી નજર નહોતી; ને જસમાનું પાત્ર તો કલ્પિત છે; છતાં આપણે એને એમાં રાચતો બતાવવામાં પાછળ રહ્યા નથી.

ઘણાં નાટકો, ઘણી નવલકથાઓ ને ઘણાં ચિત્રપટોએ ગુજરાતના આ સંસ્કૃતિધર રાજવીના માથે વિતાડવામાં બાકી રાખી નથી. કથાવાર્તાનો રસ જમાવવા જતાં એમણે કાળો કેર વર્તાવ્યો છે અને આપણા આગેવાનોએ એમાં કોઈ દિવસ વાંધો લીધો નથી, એમને એમાં કશું અનુચિત લાગ્યું નથી. પણ આજના મંગલ પ્રસંગે જૂની ગૌરવભરી તસવીરોને સ્વચ્છ કરીએ. એના ઉપર આપણી બેદરકારીથી ચોટેલી રજને ધોઈ નાખીએ. જૂની દંતકથાના જાળાંવાળાં ઝાપટી નાખીએ અને એ તસ્વીરને બને તેટલી ચોખ્ખી કરીને પ્રજા સમક્ષ મૂકીએ.

એ ન ભૂલીએ કે ચરિત્રો પ્રજાના ચારિત્ર્યને ઘડે છે.

લધુતાગ્રંથિની હદ થઈ. હવે એ તજી દઈએ. જે પ્રજાએ વિશ્વવંદ્ય પૂ. ગાંધીજી, પૂ. સરદારશ્રી, શ્રી દયાનંદ સરસ્વતી, ઠક્કરબાપા ને રવિશંકર મહારાજ આપ્યા હોય, એ પ્રજા સિદ્ધરાજ આપી જ શકે એમાં આશ્ચર્ય જેવું કંઈ નથી.

હું ઇતિહાસનો વિદ્વાન નથી. પણ એક નમ્ર વિદ્યાર્થી છું. મેં બને તેટલા ઇતિહાસોમાંથી સત્ય તારવવા પ્રયત્ન કર્યો છે. અર્ધસત્યો ને અસત્યોમાંથી દૂર રહેવા યથાશક્ય યત્ન કર્યો છે. ધર્મઝૂનનથી લખાયેલી વસ્તુઓને બને તેટલી ગાળી નાખી છે. છતાંય કોઈ જાણકાર આ વિશે વિશેષ જણાવશે, તો તેનો યોગ્ય સ્વીકાર કરવામાં આવશે.