આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કોઈ મહાન કાર્ય કર્યાનો દાવો નથી, કારણ કે ગુજરાતના સમર્થ ઇતિહાસકારોએ આ મહાન રાજવીને ક્યારનોય ન્યાય આપી દીધો છે. મેં તો માત્ર તેના આધારે એક કથા લખી છે. કથા પણ નાનાં-મોટાં બંને રસથી વાંચી શકે તે ઢબથી લખી છે.

બાકી તો વાચકો નિર્ણય કરે.

આ રાજાના મનની ઉદારતા એના આખા ચારિત્રને પ્રગટ કરે છે. પોતે પરમ શૈવ. બોતેર લાખનો યાત્રાવેરો માફ કરે. રુદ્રમહાલય પર ધજા ચઢાવી ત્યારે જૈન મંદિરોની ધજા ઉતરાવેલી એમ કહેવાય છે. બીજી તરફ એ પોતે ગિરનારનાં જૈન દેરાંના ઉદ્ધારને માન્ય કરે, શત્રુંજયની યાત્રા કરે. જૈનો એના દાનનાં વખાણ કરે. પર્યુષણ પર્વ અને બીજા મોટા પર્વ દિવસોમાં અમારિ-પડહ વગડાવે; ત્યારે ત્રીજી બાજુ વૈષ્ણવો એને વિષ્ણુનો અવતાર માને. અરે, મિરાતે અહમદીનો લેખક કહે છે, કે સિદ્ધરાજે મુસલમાન ધર્મ સ્વીકારેલો !

સારાંશમાં સહુ એને પોતાનો માને -- એ મહાનુભાવતા આજે ક્યાં છે ? અશોક અને અકબરના વિશાળ હૃદયની સિદ્ધરાજ યાદ આપે છે. આર્ય પ્રણાલી છે કે રાજાએ બધા ધર્મના અનુયાયીઓનું સમાન ભાવે પાલન કરવું. એ નીતિનું આ રાજવીએ બરાબર પાલન કરેલું.

છેલ્લે એટલું પ્રાર્થીએ કે ગુજરાતના સુવર્ણયુગના આ મહાન ચક્વર્તીના ઉજ્જવળ ચારિત્રને વિકૃત ચીતરવાનો હવેથી કોઈ પ્રયત્ન ન કરે; અને કોઈ એવી ચેષ્ટા કરે તો પ્રજાનો વિરોધ એને જરૂર નમાવે. ઇતિહાસકારોની અમૂલ્ય કૃતિઓનો આમાં મેં બહોળો ઉપયોગ કર્યો છે, એ સહુનો હું આભારી છું.

૧ મે, ૧૯૬૦
– જયભિખ્ખુ