આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જૂઠડી ભાવનાના થરોથર થયા,
નવેલા શૌર્ય-આદર્શ તેં સ્થાપિયા.
સમર્પણનાં નવાં મૂલ તેં આંકિયાં.

ઝીલો ઝીલો મલકતા જાલિમ તણા પ્રહાર,
લાલ કસૂંબલ રક્તની ફૂટે શોણિત-ધાર;

પ્રહારે પ્રહારે ઉર-પાતળો ફૂટે,
કસૂંબલ રંગની રક્ત-છોળો છૂટે,
મૃત્યુ-ભયના કૂડા લાખ બંધો તૂટે,
પાળ ફોડી અને પ્રાણનાદ ઊમટે.

રજ રજ નોંધી રાખશું હૈયા બીચ હિસાબ,
અવસર આવ્યે માગશું કિસ્મત પાસ જવાબ;

માગવા જવાબો એક દિન આવશું,
ભૂખરી પતાકા સંગમાં લાવશું,
અમારા રક્તના હોજ છલકાવશું,
માતનો ધ્વજ ફરી વાર રંગી જશું.
[૧૯૨૯]

નવ કહેજો!

રણવગડા જેણે વીંધ્યા,
વહાલી જેને વનવાટ;
જે મરતાં લગ ઝંખેલો
ઘનઘોર વિજન રઝળાટ :

જે ગગન ચુંબતાં ગિરિશૃંગે સુણતો હાકલ અવિરામ -
એ સુભટ કાજ કો' નવ કહેજો ‘પ્રભુ દે એને વિશ્રામ !’