આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આભ લગી એનાં મસ્તક ઊંચા ને
પગ અડતા પાતાળ;
જુગજુગના જેણે કાળ વલોવ્યા ને
ડોલાવી ડુંગરમાળ રે :
ફોડી જીવનરૂંધણ પાળ. -મારી૦

ઠપકા દેતી હસતી મૂરતી એ
ઝળહળાતી ચાલી જાય:
સ્વપ્ન સરે, મારે કાન પડે
મારા દેશની ઊંડેરી હાય રે:
એનાં બંધન ક્યારે કપાય ! - મારી૦

ઘન ઘન અંધારાં વીંધણહારો
જાગે ન કો ભડવીર;
ડરતાં ડરતાં ડગલાં ભરતાં આ તો
વામન સરખાં શરીર રે:
અણભીંજલ ઊભાં છે તીર. -મારી૦

જરીક જરીક ડગ માંડતાં મારી
જનનીને ના વળે જંપ,
આવો વિપ્લવ ! આવો જ્વાલામુખી !
આવો રૂડા ભૂમિકમ્પ રે :
ભેદો જીર્ણતા-દારુણ થંભ. - મારી૦
[૧૯૨૯]

ગાઓ બળવાનાં ગાન !

ઊઠ અવનિના શ્રમજીવી !
વિપ્લવનાં ગાન;
ઊઠ બાંધવ ને ઊઠ બેની !
ગાવા બળવાનાં ગાન.
ઊઠ પ્રેમ તણે ઝંકારે ગાવા પીડિત જનનાં ગાન!
ઊઠ રોષ અને ધિક્કારે ગાવા સમર્થ જનનાં ગાન!
એ સમર્થ આપણા સહુના
પૂર્વજના પીસણહાર,
ભૂખ્યાં આપણ શિશુઓની
રોટીના ઝૂંટવનાર;
એ જુગજુગના જુલમોનાં છંદન કાજે આજ પ્રયાણ,
હર કદમે કદમે ગૌરવભર ગાઓ વિપ્લવનાં ગાન!
ગાઓ બળવાનાં ગાન!