આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શિવાજીનું હાલરડું

આભમાં ઊગેલ ચાંદલો, ને જીજીબાઇને આવ્યાં બાળ -

બાળુડાને માત હિંચોળે:
ધણણણ ડુંગરા બોલે.
શિવાજીને નીંદરું ના’વે:
માતા જીજીબાઈ ઝુલાવે.

પેટમાં પોઢીને સાંભળેલી બાળે
રામ - લખમણની વાત
માતાજીને મુખ જે દીથી,
ઊડી એની ઊંઘ તે દીથી.- શિવાજીને૦

પોઢજો રે, મારા બાળ !
પોઢી લેજો પેટ ભરીને આજ –
કાલે કાળાં જુદ્ધ ખેલાશે :
સૂવાટાણું ક્યાંય ન રે'શે.-શિવાજીને૦

ધાવજો રે, મારાં પેટ !
ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ –
રે'શે નહીં, રણઘેલુડા !
ખાવા મૂઠી ધાનની વેળા.-શિવાજીને૦

પે'રી - ઓઢી લેજો પાતળાં રે !
પીળાં-લાલ-પીરોજી ચીર –
કાયા તારી લોહીમાં ના'શે :
ઢાંકણ તે દી ઢાલનું થાશે.-શિવાજીને૦

ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી
ફેરવી લેજો આજ –
તે દી તારે હાથ રે'વાની
રાતી બંબોળ ભવાની.-શિવાજીને૦

લાલ કંકુ કેરા ચાંદલા ને
ભાલે તાણજો કેસરઆડ્ય –
તે દી તો સિંદોરિયા થાપા
છાતી માથે ઝીલવા, બાપા !-શિવાજીને૦

આજ માતા ચોડે ચૂમીયું રે બાળા !
ઝીલજો બેવડ ગાલ –