આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તે દી તારાં મોઢડાં માથે
ધુંવાધાર તોપ મંડાશે.-શિવાજીને૦

આજ માતાજીની ગોદમાં રે
તુંને હૂંફ આવે આઠ પો'ર –
તે દી કાળી મેઘલી રાતે
વાયુ ટાઢા મોતના વાશે.-શિવાજીને૦

આજ માતા દેતી પાથરી રે
કૂણાં ફૂલડાં કેરી સેજ –
તે દી તારી વીરપથારી
પાથરશે વીશભુજાળી.-શિવાજીને૦

આજ માતાજીને ખોળલે રે
તારાં માથડાં ઝોલે જાય –
તે દી તારે શિર ઓશીકાં
મેલાશે તીર-બંધૂકા.-શિવાજીને૦

સૂઈ લેજે, મારા કેસરી રે !
તારી હિંદવાણ્યું જોવે વાટ –
જાગી વે'લો આવ, બાળુડા !
માને હાથ ભેટ બંધાવા.-શિવાજીને૦
જાગી વે'લો આવજે, વીરા !
ટીલું માના લોહીનું લેવા !
શિવાજીને નીંદરું ના’વે:
[૧૯૨૭]