આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઊઠો

ઊઠો, સાવજશૂરાની બેટડી ! બાંધો કેશ, લૂછો અશ્રુધાર;
જોજો ઝૂઝે તમારા કંથડા, એના કામજો કીર્તિઅંબાર.

સાદ સુણી સમરાંગણના, દેવા પ્રાણ તણાં બલિદાન,
મૃત્યુના સિંધુ વલોવીને અમૃત કરવા સિધાવ્યા મેદાન રે :
બે’ની ! બંકા આપણ ભરથાર. - ઊઠો૦.

દુશ્મન કેરાં નોતરાં, બે’ની ! બથ ભરી મળવા કાજ;
રક્તનાં કેસરછાંટણાં છંટાશે, ખેલાશે રસબસ રાસ રે:
કંઠે પે’રી આંતરડાંની માળ. - ઊઠો૦.

કાળ તણી એ કચેરીઓમાં બેઠા પછી ન ઉઠાય;
કંથ કોડીલાનાં કાળાં કવચ ત્યાં તો રાતે શોણિતે રંગાય રે:
બાજે રણરંભાના ઠમકાર. - ઊઠો૦.

અંતરની કાળી ઝાળો ઓલવવા કાળગંગાને ઘાટ,
નણદલવીર એ નીરમાં ન્હાતા ત્યાં સામસામી દૈ થપાટ રે:
ગાંડાતૂર જેવા ગજરાજ. - ઊઠો૦.

જીતીને વળશે તો રંગે રમાડશું : મરશે તોયે શા ઉચાટ !
ખોળે પોઢીને ચડશું ચિતા માથે : હસતાં જાશું સુરવાટ રે:
એવા ઉગ્રભાગી અવતાર. - ઊઠો૦.
[૧૯૨૫]

ઝંડાવંદન

તારે ક્યારે કૈંક દુલારે દિલનાં શોણિત પાયાં;
પુત્રવિજોગી માતાઓનાં નયનઝરણ ઠલવાયાં -
ઝંડા! અજર અમર રે’જેઃ
વધ વધ આકાશે જાજે.
તારે મસ્તક નવ મંડાઈ ગરુડ તણી મગરૂરી;
તારે ભાલ નથી આલેખ્યાં સમશિર-ખંજર-છૂરી-
ઝંડા! દીન કબૂતર-શો
ઉરે તુજ રેંટીડો રમતો.
જગ આખા પર આણ ગજવતી ત્રિશૂલવતી જળરાણી;
મહારાજ્યોના મદ પ્રબોધતી નથી તુજ ગર્વનિશાની –
ઝંડા! ગભરુ સંતોષી
વસે તુજ હૈયામાં ડોશી.