આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે,
એને ઓષ્ઠ-કપોલે-ભાલે ધરજો ચુંબન ધીરે:
સહુ માતા ને ભગિની રે!
ગોદ લેજો ધીરે ધીરે
વાંકડિયાં એ જુલ્ફાંની મગરૂબ હશે કો માતા,
એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા;
રે! તમ ચુંબન ચોડાતાં
પામશે લાડકડો શાતા.
લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી,
એની રક્ષા કાજ અહર્નિશ પ્રભુને પાયે પડતી,
ઉરની એકાન્તે રડતી
વિજોગણ હશે દિનો ગણતી.
કંકાવટીએ આંસુ ઘોળી છેલ્લું તિલક કરતા,
એને કંઠ વીંટાયા હોશે કર બે કંકણવંતાઃ
વસમાં વળામણાં દેતા,
બાથ ભીડી બે પળ લેતા.
એની કૂચકદમ જોતી અભિમાનભરી મલકાતી,
જોતી એની રુધિર-છલકતી ગજ ગજ પહોળી છાતી,
અધબીડવાં બારણિયાંથી
રડી કો હશે આંખ રાતી.
એવી કોઈ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે,
એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢેઃ
કોઈના લાડકવાયાને
ચૂમે પાવકજ્વાલા મોઢે.
એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી,
એ પથ્થ૨ ૫૨ કોતરશો નવ કોઈ કવિતા લાંબી;
લખજો: ખાક પડી આંહીં
કોઈના લાડકવાયાની’

1930, કારાવાસમાં, સાબરમતી જેલમાં અબ્બાસ સાહેબની વિદાયની સાંજરે સ્નેહ- સંમેલનમાં શ્રી દેવદાસ ગાંધીએ જૂની રૉયલ રીડરમાંથી મૅરી લા કોર્સ્ટ નામનાં કોઈ અજાણ બાઈનું રચેલું કાવ્ય 'સમબડીઝ ડાર્લિંગ' વાંચી સંભળાવેલું. તેણે પેદા કરેલા મંથનનું પરિણામ. અત્યારના આપણા સમયને અનુરૂપ ભાવ આપેલો છે. મારી આંખોનાં ખીલ ઠોલાવેલાં તે દિવસે જ લગભગ આંધળા આંધળા લખેલું હતું. મારું ઘણું જ લાડકવાયું ગીત, મારા કંઠના મુક૨૨ સૂરોમાંથી જ ઉદ્ભવેલું અને એ જ સૂરો વડે સતત સીંચાયેલું, તેને જ્યારે હું કાલીંગડા અને મરાઠી સાખીના મૂળ સૂરને બદલે ભૈરવીમાં ગવાયેલું સાંભળું છું, ત્યારે મારું પ્રિય સંતાન રિબાતું હોવાની વેદના મને થાય છે.