આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જા, બાપ ! માતા આખલાને નાથવાને,
જા વિશ્વહત્યા ઉપરે જળ છાંટવાને,
જા સાત સાગર પાર સેતુ બાંધવાને –
ઘનઘોર વનની વાટને અજવાળતો, બાપુ !
વિકરાળ કેસરિયાળને પંપાળતો, બાપુ !
ચાલ્યો જજે ! તુજ ભોમિયો ભગવાન છે, બાપુ !
છેલ્લો કટોરો ઝેરનો પી આવજે, બાપુ !

1931. ગાંધીજી ગોળમેજી પરિષદમાં જવા નીકળ્યા ત્યારે તેમને કરેલું સંબોધન. ‘સૌરાષ્ટ્ર'નો પહેલો ફરમો ગુરુવારે સાંજે ચડતો. એ ગુરુવાર હતો. ગીત છેલ્લા કલાકમાં જ રચાયું, ભાઈ અમૃતલાલ શેઠે ‘બંધુ’ ‘બંધ’ શબ્દોને સ્થાને ‘બાપુ’ ‘બાપુ’ શબ્દો સૂચવ્યા. ગીત એમને બહુ જ ગમ્યું. ગાંધીજી શનિવારે તો ઊપડવાના હતા. અમૃતલાલભાઈએ આર્ટ-કાર્ડ બોર્ડ પર એની જુદી જ પ્રતો કઢાવી તે જ સાંજે મુંબઈ રવાના કરી – સ્ટીમર પર ગાંધીજીને પહોંચતી કરવા માટે, બંદર ૫૨ આ વહેંચાયું ત્યારે રમૂજી ઇતિહાસ બની ગયો. કેટલાંક પારસી બહેનોને ઝેર, કટોરો વગેરેનાં રૂપકો પરથી લાગ્યું કે ગાંધીજીને માટે ઘસાતું કહેવાનું આ ક્રૂર કટાક્ષ-ગીત છે. એમનાં હૃદયો દુભાયાં. તરત જ એક ગુજરાતી સ્નેહી બહેને કાવ્યનો સાચો ભાવ સ્પષ્ટ કર્યો ત્યારે પેલાં બહેનોનાં હૃદય આનંદિત બની ઊઠ્યાં. “કુડીબંધ તારો અને કાગળો આવેલા તે [આગબોટમાં વાંચવા માંડ્યા. મેઘાણીનો છેલ્લો કટોરો' [વાંચીને) બાપુ કહે, ‘મારી સ્થિતિનું આમાં વર્ણન થયું છે તે તદ્દન સાચું છે.' કાવ્ય વાંચતા તો જાણે મેઘાણીનો આત્મા ગાંધીજીના છેલ્લા પંદર દિવસની સતત સાક્ષી રહ્યો હોય એમ પ્રતીત થાય છે... જાણે મેઘાણીજીએ ક્યાંક છુપાઈને – અંધારપછેડો ઓઢીને – જોયા કીધું હોય એમ લાગે છે. [મહાદેવ દેસાઈ)

માતા, તારો બેટડો આવે !

[ગોળમેજીમાંથી પાછા આવ્યા ત્યારે, ઢાળઃ ‘શિવાજીને નીંદરું ના'વે]

માતા ! તારો બેટડો આવે :
આશાહીન એકલો આવે.
જો જો ! મારો બેટડો આવે :
સંદેશાઓ ખેપિયા લાવે.

જ્વાળામુખી એને કાળજે રે, એની આંખમાં અમૃતધાર –
આવો કોઈ માનવી આવે ?
ભેળાં કાળ-નોતરાં લાવે. — માતા૦