આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સૂતો રે હોય તો જાગજે, સાયર ! ઘેર આવે પ્રાણાધાર,
હૈયે તારે બાંધ હિંડોળા :
મોભી મારો ખાય છે ઝોલા. — માતા૦

ધૂળરોળાણા એ મુખ માથે, વીરા છાંટજે શીતળ છોળ,
પ્રેમેથી પાહુલિયા ધોજે !
આછે આછે વાયરે લ્હોજે ! — માતા૦

તારા જેવાં એના આતમનાં ગેબી હિમ, અગાધ ઊંડાણ;
ત્યાંયે આજે આગ લાગી છે :
ધુંવાધાર તોપ દાગી છે. — માતા૦

સાત સિંધુ તમે સામટા રે – એની ઓલવાશે નહિ ઝાળ,
ઠાલાં નવ ઢોળશો પાણી !
ના ના એની વેદના નાની. — માતા૦

કોટકોટાન હુતાશ જલે તારા હૈયાની માંહી, ઓ આભ !
એવી ક્રોડ આપદા ઘીકે,
છાની એની છાતડી નીચે. — માતાજી

માનતાં’તા કૂડાં માનવી રે એને ફોસલાવી લેવો સે'લ !
પારધીનાં પિંજરા ખાલી :
હંસો મારો નીકળ્યો હાલી. – માતા૦

ઘોર અંઘારી એ રાતમાં રે બીજાં બાળ ઘોરાણાં તમામ;
આઠે પો૨ જાગતી આંખે
બેઠો તું તો દીવડે ઝાંખે. – માતા૦

બૂડ્યા બીજા ઘેલડા રે માયામોહ કેરે પારાવાર,
બેટા ! તું તો પોયણું નાનું :
ઊભું એક અભીંજાણું.. – માત.

પોતાના પ્રાણપિપાસુઓનાં તેં તો ખોળલે ખેલાવ્યા બાળ;
ચૂમી ચૂમી છાતીએ ચાંપ્યા :
બંધુતાના બોલડા આપ્યા. – માતા૦

રોમે રોમે તારે દાંત ભીંસી ઝેરી કરડ્યા કાળુડા નાગ;
ડંખે ડંખે દૂધની ધારા
રેલી તારા દેહથી, પ્યારા ! – માતા૦

ચીર પાંચાળીનાં ખેંચવામાં નો'તા પાંડવોએ દીધા હાથ;
આજે અધિકાઈ મેં દેખી :
બેટાઓએ માતને પીંખી ! – માતા૦