આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એકલો તું આડા હાથ દેતો ઊભો દોખિયાંને દરબાર;
તારી એ અતાગ સબૂરી
શોષી લીધી વેરીએ પૂરી. – માતા૦

કુડ પીધાં, હીણમાન પીધાં, પીધાં ઘોળી દગાવાળાં દૂધ
કડકડતાં તેલ તે પીધાં :
ગાળી ગાળી લોહ પણ પીધાં. – માતા૦

ગોપવીને છાના ઘાવ કલેજાના રાખજે ખૂબ ખામોશ !
વાવાઝોડાં કાળના વાશે,
તે દી તારી વાટ જોવાશે. – માતા૦
 
કંપશે સાત પાતાળ, આભે જાતા ઝીંકશે સાયર લોઢ;
ખંડે ખંડે બોળશે લાવા :
ભૂકમ્પોના ગાજશે પાવા. – માતા૦

'ધાઓ ધાઓ, ધેનુપાળ !' તેવા તે દી ઊઠશે હાહાકાર,
શાદુળા ને સાંઢ માતેલા
ઢૂંગે ઢૂંગે ભાગશે ભેળા. – માતા૦

ભાઈ વિદેશીડા ! વિનવું રે – એને રોકશો મા ઝાઝી વાર;
બેઠી હું તો દીવડો બાળું :
ક્યારે એના ગાલ પંપાળું ! – માતા૦

તારી કમાઈ-ગુમાઈનો મારે માગવો નો'ય હિસાબ;
બેટા ! તારી ખાકની ઝોળી
માતા કેરે મન અમોલી. – માતા૦


છેલ્લી સલામ

[હરિજનો માટે પૂના ખાતે મંડાયેલા મહાત્મા ગાંધીજીના પહેલાં અનશનવ્રતના સપ્તાહ વખતે.]

[ઢાળઃ ભૂલ્યો રે ભૂલ્યો રાજા સત રે ગોપીચંદણ]

સો સો રે સલામું મારાં ભાંડુડાંને કે'જો રે,
ઝાઝેરા જુહાર જગને દેજો હો...જી !
મળાયું ન તેને સહુને માફામાફ કે'જો, ને
રુદિયામાં રાખી અમને રે'જો હો...જી !

ટીપેટીપે શોણિત મારાં તોળી તોળી આપું તોયે,
પૂરાં જેનાં પ્રાછત કદીયે જડશે ન જી –
એવા પા૫દાવાનલમાં જલે છે જનેતા મારી,
દિલડાના ડુંગર સળગ્યા – ઠરશે ન જી !
— સો સો રે સલામુંo