આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


હરિ કેરાં તેડાં અમને – આવી છે વધામણી રે,
દલિતોને ઉત્સવ હાકલ પડી છે હો...જી;
હસતાં મુખડાંની અમને વિદાયું દિયો રે, વા'લાં !
રખે કોઈ રોકે નયણાં રડીને હો...જી !
— સો સો રે સલામુંo

૧. અર્જુને ખાંડવવન સળગાવીને સર્પોને નહિ પણ 'નાગ' નામની અનાર્ય માવનજાતિને ભસ્મીભૂત કરી હતી – કેવળ એ આદિ-નિવાસીઓનો પ્રદેશ પચાવી પાડવા સારુ જ. ૨. બ્રાહ્મણે આવીને રામચંદ્ર પાસે પોકાર કર્યો કે, શમ્બૂક નામના એક શૂદ્રે તપશ્ચય માંડી છે તે કારણે મારો પુત્ર મૃત્યુ પામે છે ! તે પરથી રામચંદ્રે એ તપસ્વીનો શિરચ્છેદ કર્યો હતો. ૩. આ બધા જુલમો ધર્મને નામે થઈ રહેલ છે – એ ભાવાર્થ. ૪. મહાત્માજીના શબ્દો: ‘આઈ હેવ લેઇડ ડાઉન માય લાઇફ ઇન ધ સ્કેઈલ્સ ઑફ જસ્ટિસ'.


ફૂલમાળ
[ઢાળઃ તોળી રાણી ! તમે રે ચંપો ને અમે કેળ્ય]

વીરા મારા ! પંચ રે સિંધુને સમશાન,
રોપાણાં ત્રણ રૂખડાં હો...જી;
વીરા ! એની ડાળિયું અડી આસમાન :
મુગતિનાં ઝરે ફૂલડાં હો...જી.

વીરા ! તારાં ફૂલ રે સરીખડાં શરીર :
ઇંધણ તોય ઓછાં પડ્યાં હો...જી;
વીરા મારા ! સતલજ નદીને તીર,
પિંજર પૂરાં નો બળ્યા હો.. જી.

વીરા ! તારી ચિતામાં ધખધખતી વરાળ
નવ નવ ખંડે લાગિયું હો...જી ;
વીરા ! તારી નહિ રે જંપે પ્રાણઝાળ :
ઠારેલી ભલે ટાઢિયું હો.. જી.

વીરા ! તારા પંથડા વિજન ને અઘોર :
ઓરાણો તું તો આગમાં હો...જી ;
વીરા ! તારાં વસમાં જિગરનાં જોર :
લાડકડા ! ખમા ખમા હો....જી.

વીરા ! તારે મુખડલે માતાજી કેરાં દૂધ,
ધાવેલાં હજી ફોરતાં હો...જી;