આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વીરા ! એવી બાળુડી ઉંમરમાં ભભૂત,
જાણ્યું તેં, જોગી, ચોળતાં હો...જી.

વીરા ! તારા ગગને ઊછળતા ઉલ્લાસ,
દુનિયાથી દૂરે દોડવા હો...જી;
વીરા ! તારે અચળ હતા વિશ્વાસ,
જનમીને ફરી આવવા હો...જી.

વીરા ! તારે નો'તા રે દાખી ને નો'તા દાવ
તરસ્યોયે નો'તો રક્તનો હો...જી.
વીરા ! તારી છાતીએ છલ્યો ભવ્ય ભાવ,
માભૂમિ કેરા ભક્તનો હો...જી.

વીરા ! એ તો ફાંસી રે નહિ, ફૂલમાળ :
પે'રીને પળ્યો પોંખણે હો...જી;
વીરા ! તારું વદન હસે ઊજમાળ,
સ્વાધીનતાને તોરણે હો...જી.

1 ત્રણ રૂખડાં ત્રણ વૃક્ષોઃ ત્રણ જણાને ફાંસી આપી સતલજ નદીને કિનારે બાળેલા. 2 ઇંધણ તોય ઓછાં પડ્યાં... પિંજર પૂરાં નો બળ્યાં'ઘાસલેટ છાંટીને બાળ્યા છતાં તેમનાં મૃતદેહનું પૂરું દહન ન થયું હોવાની ફરિયાદ હતી. 3 દોખીદુશ્મન. 4 દાવ= વિરોધી. ૮ સ્વ. ભગતસિંહને ફાંસી અપાઈ તેની વેદનાને વહેતું ભજન,


ચારણ-કન્યા

⁠સાવજ ગરજે !
વનરાવનનો રાજા ગરજે

ગર કાંઠાનો કેસરી ગરજે
ઐરાવત કુળનો અરિ ગરજે

કડ્ય પાતળિયો જોદ્ધો ગરજે
મ્હોં ફાડી માતેલો ગરજે

જાણે કો જોગંદર ગરજે
નાનો એવો સમદર ગરજે !

⁠ક્યાં ક્યાં ગરજે!

બાવળના ઝાળાંમાં ગરજે
ડુંગરના ગાળામાં ગરજે

કણબીના ખેતરમાં ગરજે
ગામ તણા પાદરમાં ગરજે