આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

નિવેદન

આશરે છેલ્લા એક વર્ષથી ‘સૌરાષ્ટ્ર’ના મુખપૃષ્ઠ પર જે ગીતો દેખાતાં હતાં તેનો – થોડાંએક બીજાં સહિત – આ નાનો સંગ્રહ ‘સિંધુડો’ નામે પ્રગટ થાય છે. ‘સિંધુડો’ શબ્દ ગુજરાત-કાઠિયાવાડમાં જાણીતો છે. એ યુદ્ધના અને શૌર્યના સૂરનું સૂચન કરે છે. ગીતો કાવ્યત્વની કસોટીએ તો કાચાં છે જ; પણ પ્રસિદ્ધિ કરવાનો અધિકાર એક જ છે : જેઓએ વાંચ્યાં-સાંભળ્યાં છે તેઓની ચડના. કેટલેક સ્થળે મોટી મેદિનીઓ વચ્ચે પણ એ ઝિલાયાં છે.

આમાંનાં કેટલાંએક યુરોપી કવિતાનો આધાર લઈ રચાયાં છેઃ બાકીનાં સ્વયં-સ્ફુરિત છે. સ્વયં- સ્ફુરણાનો જેમ ગર્વ નથી, તેમ આધાર લઈ રચેલાંની શરમ પણ નથી. શું અનુવાદમાં કે શું સ્વયં- કૃતિમાં, જેટલું સ્વાભાવિક હોય તેટલું જ સાચું છે.

આ સર્જનને અંગે મારા પર એક એવું ઋણ છે, કે જે એક ઘણા નિકટના આત્મજનનું હોવાથી ઉલ્લેખતાં કદાચ અનર્થને પાત્ર થાય, છતાં નિર્દેશ કર્યા વિના ન રહી શકાય તેવું છે. એ ઋણ મારા ભાઈ શ્રી કકલભાઈ કોઠારીનું છે. શૌર્યવતી અંગ્રેજી કવિતાઓ એના હાથમાં પડે કે ભાઈ ગુરુવારે મારી ગરદન પકડે, મારામાં આત્મવિશ્વાસ પૂરે, મારી જોડકણા-શક્તિને જાલિમની માફક કામે લગાડે એ ગુલામીમાંથી ગુલામ એક એવો ખજાનો કમાયો છે, કે જે કદાચ અખૂટ નીવડશે. ગુલામે જાલિમ ઉપ૨ પણ એક ગુપ્ત જીત મેળવી છેઃ ગ્રીસે રોમ પર મેળવી હતી તેવીઃ કવિતા ધિક્કારનારને કાવ્યનો રસ લગાડવાની.

બીજું એક નામઃ રાગ આવડે કે ન આવડે, કોઈ સાંભળે કે ન સાંભળે, છતાં પાગલની માફક આ ગીતો મસ્તીભર લલકારનાર ભાઈશ્રી અમૃતલાલ શેઠનું. કર્તાનું પરમ ભાગ્ય છે, કે આ સંગ્રહની પ્રસિદ્ધિ એક અભૂતપૂર્વ મુક્તિસંગ્રામના પ્રથમ પ્રભાતે થઈ શકે છે.

રાણપુર: 6-4-1930, સત્યાગહ-સંગ્રામનો પ્રથમ દિન
કર્તા
 

રાજદ્રોહ

મુંબઈની સરકારે ‘સિંધુડો’ શા માટે જપ્ત કર્યો હશે! ‘સિંધુડો’નાં સંગ્રામ-ગીતો શું એવાં ભયાનક છે? એક વખત ‘નીતિનાશને માર્ગે' જેવું પુસ્તક જપ્ત કરનાર સરકારની આ પણ એક બેવકૂફી તો ન હોય!

સાવ એમ તો નથી. સ્વાતંત્ર્ય-સંગ્રામની પ્રભાતે એટલે તા. 6ઠ્ઠી એપ્રિલના રોજ ‘સિંધુડો’એ દેખા દીધા. દસ-બાર હજારની માનવમેદની વચ્ચે ધોલેરાના અમૃત ચોકમાં જે વખતે કંકુ ઘોળજો જી' ગવાયું અને સબરસની લૂંટ કરવા જતા સૈનિકોને હજારો વર્ષની ‘વેદના’ સંભળાવી દર્દભરી વિદાય આપી, તે દિવસે 'સિંધુડો'ની પહેલી કિંમત અંકાઈ. અને ત્યાર પછી તો ગુજરાત-કાઠિયાવાડના સૈનિર્કાએ મસ્તીભર એ ગીતો લલકાર્યાં. ‘સિંધુડો'ના કવિએ, કોર્ટમાં ફાટતે સ્વરે ‘વેદના’ પોકારી, ત્યારે સેંકડો રહ્યા હતા. નઠોર અમલદારની આંખ પણ ભીની થઈ હતી. સરકારને ‘સિંધુડો’ જપ્ત કરવા આટલું બસ હતું..

બાકી તો, સરકારની માયા અકળ છે. પોતાની હસ્તી કાયમ રાખવા એ અનેક રૂપ લે છે. નીચી મૂછ કરતાં પણ આવડે છે. ઘોર વિશ્વાસઘાત પણ અજાણ્યા નથી અને સમય આવ્યે નગ્ન