આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શ્રી મેઘાણીએ પોતાનું નિવેદન વાંચ્યું... ત્યારબાદ તેમણે કોર્ટની પરવાનગી માગી કે મારે એક પ્રાર્થના ગાવી છે. પરવાનગી હોય તો ગાઉં', કોર્ટે રજા આપી. શ્રી મેઘાણીની છાતીના બંધ આજે તૂટી ગયા હતા આર્તસ્વરે એમણે પ્રાર્થના ગાઈ :

હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ,
કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ,
મરેલાનાં રુધિર ને જીવતાંનાં આંસુડાંઓઃ
સમર્પણ એ સહુ તારે કદમ, પ્યારા પ્રભુ ઓ!

જેમજેમ પ્રાર્થના આગળ ચાલી, તેમતેમ એ માનવમેદની પૈકીની સેંકડો આંખો ભીની થવા માંડી. અને એ પ્રાર્થના માંડ અડધી ગવાઈ - ગવાઈ નહીં પણ શ્રી મેઘાણીનો આર્તનાદ અડધો સંભળાયો, ત્યાં તો સેંકડો ભાઈ-બહેનોની આંખો રૂમાલ, પહેરણની ચાળી અને સાબુના પાલવો નીચે છુપાઈ, અને પછી

પ્રભુજી! પેખજો, આ છે અમારું યુદ્ધ છેલ્લું
બતાવો હોય જો કારણ અમારું લેશ મેલું

એ પંક્તિઓ આવી ત્યાં તો કોર્ટનો ઓરડો, ઓરડાનાં દ્વારોમાં ખડકાયેલાં ને ચોમેર ઓસરીમાં ઊભેલાં ભાઈ-બહેનોનાં ડૂસકાં પથ્થરને પણ ચીસો પડાવે તેવી રીતે હીબકવા લાગ્યાં ને પછી તો મોંછૂટ રુદનનો સ્વરો ગાજવા માંડયાં અને છેલ્લે

સમર્પણની છતાં વહેશે સદા અણખૂટ ધારા,
મળે નવ માવડીને જ્યાં લગી મુક્તિ-કિનારા.

એ પંક્તિઓ આવી (એ પછી) શ્રી મેઘાણી... પોતાના આસને બેઠા, ત્યારે તો ખરેખર એ માનવ-મેદની રોતી જ હતી. દરેક મિનિટ તો કોર્ટનું મકાન ડૂસકાં ને આર્તનાદોથી કંપતું રહ્યું.