આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

‘રજા લઉં છું”... [ધંધુકાની અદાલતમાં ઝવેરચંદ મેઘાણીનું નિવેદન, 28 એપ્રિલ, 1930] મારા જેવા મામૂલી અખબારનવેશને પોલીસે ભારે માનથી નવાજ્યો છે. બરવાળામાં જે ભાષણ મેં કર્યું નથી તે ઉપજાવી કાઢવાને અને એની કીર્તિ મને બક્ષવાને સમર્થ ભેજું પોલીસ ધરાવે છે. તેને અભિનંદન પાઠવું છું. જે દિવસે અને કલાકે ભાષણ કર્યાનું તહોમત છે તે દિવસે અને તે કલાકે હું રાણપુરમાં મારા ઘરમાં ઘસઘસાટ ઊંઘતો હતો. આમ દિવસ અને રાત હું તેમના ભેજાને ચસકાવી શક્યો છું અને મૌન સેવવા છતાં આ મહાસામ્રાજ્યને માટે ભયંકર માણસ તરીકે તેમનો રૂડો અભિપ્રાય પામી શક્યો છું તે મારા નાના મસ્તકને જરૂર ઉન્મત્ત બનાવી મૂકે તેવી વાત છે. મારા સદ્દભાગ્યે મારામાં રહેલી થોડી વિનોદશક્તિ મને ઉગારી લ્યે છે. મારા ગંભીર અને એકરાગી જીવનમાં આ પ્રસંગને અતિશય મજાકભર્યા બનાવ તરીકે લેખું છું. તમે [ન્યાયાધીશ) અને તમારી પોલીસ જેટલા કાળને માટે મને જંજીરોની ભેટ આપશો તેટલો કાળ જંજીરોની સાથે ગેલ કરવામાં ખૂબ આનંદપૂર્વક વિતાવીશ. ન્યાયની આ અદાલતમાં મને જરાયે ઇતબાર હોત તો જુઠ્ઠાણાં અને પ્રપંચને જમીનદોસ્ત કરવા સેંકડોને હું આ ઓ૨ડામાં ખડા કરી દેત, પરંતુ મારા સદ્ભાગ્યે મારો રાહ જુદો છે. ન્યાયને નામે અત્યારથી ખદબદી રહેલા આ તંત્રમાં મને લગીરે ઇતબાર નથી. સ્વાર્થી ગોરી નોકરશાહી અને પતિત કાળી પોલીસ એકત્ર થઈ કાવતરાં કરે છે, અમુક માણસોને પસંદ કરે છે, તેમને ફસાવવા જાળ બિછાવે છે, ખોટો પુરાવો ઊભો કરે છે, આગળથી સજા નક્કી કરી નાખે છે અને પછી એ ‘રાંધેલો ખોરાક’ બિચારા ભીરુ હૃદયના માજિસ્ટ્રેટની મરજી વિરુદ્ધ એના ગળામાં રેડવામાં આવે છે. કિન્નાખોર નોકરોના કાવતરા વિરુદ્ધ વર્તવાની હામ માજિસ્ટ્રેટ ભીડી શકતો નથી. મારી સામેના પ્રપંચમાં ન્યાયના નામે ગમે તેવો ભયંકર અન્યાય થાય તો યે હું દોષ દેવા નથી ઇચ્છતો. મને તમારી દયા આવે છે. અંતરાત્માની સાથે છેતરપિંડી ખેલવાની ફરજ પાડનાર અને નિરંતર માનસિક મંથન અનુભવાવનારા આ દોજખી જીવનમાંથી તમે અને તમારાં સંતાનો જલદી મુક્ત થાઓ એવી મારી બંદગી છે. મારા અંતરની વાત કહું : અદ્ભુત જાગૃતિ બતાવી રહેલા આ યશસ્વી સંગ્રામના સુકાની બનવાનો અવસર મેળવવાની અને એ માનની પૂરેપૂરી કિંમત જમા કરાવવાની ઊંડી અભિલાષા હતી, પરંતુ સ્વાધીનતાની દેવીએ તેની પ્રશસ્તિ ગાનારા મારા જેવા નિષ્ક્રિય આદમી ઉપર બહુ વહેલાં કૃપાસ્મિત વરસાવ્યાં. મારા સાથીઓએ સ્વાતંત્ર્યના દેવાલયમાં જે યજ્ઞધૂપ પ્રગટાવ્યો તેની બધી સૌરભ હું ઝડપી જઈ રહ્યો છું. હર્ષથી નાચી રહેલા મારા હૃદયને આ એક જ ખયાલ દુખિત કરી રહ્યો છે. મારા સાથીઓનાં વીરતાભર્યાં કૃત્યોના દ્રષ્ટા તરીકે મારી છાતી ગજગજ ઊછળે છે. તેમનું અડગ અહિંસક વીરત્વ જોઈને, તેમના આત્મભોગની ગંગા અનંત અને અખૂટ વહેતી જોઈને હું [પૂઠા 4 પર ચાલુ) 43