આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

રૂપમાં સંપૂર્ણ પાશવતા પણ પ્રગટ કરે છે. આજે એ છેલ્લું સ્વરૂપ છે.

રાક્ષસી બળ ધરાવતી આ સરકાર સામે આપણે યુદ્ધ આદર્યું છે. સરકારના એકેએક કાયદાના ચૂરા કરવા, સરકારને સરકાર તરીકે કબૂલ ન જ રાખવી, એ આજના યુદ્ધનું રહસ્ય છે અને આ

'સિંધુડો'ની પ્રસિદ્ધિ એવા જ કાનૂનભંગને આભારી છે.

‘સિંધુડો'નાં સંગ્રામ-ગીતોમાં ખરેખર મડદાંઓમાં પ્રાણ પૂરવાની શક્તિ હો કે ન હો, પણ સરકારના એક જુલ્મી કાયદાનો નાશ કરવાની શક્તિ તો છે જ. 1930ની 6ઠ્ઠી એપ્રિલને પ્રભાતે ‘સિંધુડો'નો જન્મ થયો. આજે બે વર્ષે એ જ પ્રભાતે, એ જ રણક્ષેત્ર ઉપર ‘સિંધુડો’ ‘રાજદ્રોહ’નો અવતાર લઈ જન્મ પામે છે. સરકાર એને નહિ મારી શકે ‘સિંધુડો' અમર છે.

રાણપુર 6 એપ્રિલ 1932
વજુભાઈ શાહ
ધોલેરા સત્યાગ્રહ સંગ્રામ સમિતિ
 



[સુવર્ણજયંતી આવૃત્તિ : 1980]

ઇતિહાસમાં અપૂર્વ એવી '30ની આઝાદી-લડત ચાલી ત્યારે પ્રસંગે પ્રસંગે આપણા રાષ્ટ્રીય શાયર મેઘાણીભાઈ ‘સિંધુડો' ગાતા રહ્યા. ‘કંકુ ઘોળજો જી કે કેસર રોળજો' એ શૂરવીરોને સાબદા કરવા માટેનું એમનું પહેલું ગીત. પછી તો એમનાં કલમ અને કંઠમાંથી વહેતી રહેલી ગીતધારાએ જુવાનોમાં એક પ્રકારની ખુમારી પ્રગટાવી. સત્યાગ્રહીઓ રણમેદાન પર અને કારાવાસમાં એ ગીતો મસ્તીભેર ગાતા રહ્યા. ભયંકર જુલમો ને ભીષણ યાતનાઓ સામે ઝૂઝવાની તાકાત આ ગીતોએ કેટલાંયમાં રૂડી.

આવાં થોડાં ગીતોનો પ્રથમ સંગ્રહ ‘સિંધુડો’ નામે 1930માં પ્રગટ થયો. પહેલી આવૃત્તિ ને 10,000 નકલઃ એમાંની મોટા ભાગની નકલ તો ખપી ગયેલી. પણ એની તાકાત જોઈને સરકારે ‘સિંધુડો' જપ્ત કર્યો. બસ, સત્યાગ્રહી સૈનિકોએ પડકાર ઉપાડી લીધો. ભાવનગરમાં એક મકાનના ભોંયરામાં, ભાઈ રતુભાઈ અદાણીના સુંદર હસ્તાક્ષરવાળી મૂળ આવૃત્તિની આબેહૂબ પ્રતિકૃતિ જેવી 5,000 નકલો સાયક્લોસ્ટાઇલ થઈને જ્યારે રણમેદાન પર ઠેર ઠેર વહેંચાવા માંડી ત્યારે સરકારનો જપ્તી-હુકમ હાંસીપાત્ર બની ગયો. આજે ’30ની લડતને પચાસ વરસ પૂરાં થાય છે એ પ્રસંગે ‘સિંધુડો’ની સુવર્ણજયંતી આવૃત્તિનું નાનકડું સંભારણું કેટલાયના દિલમાં અનેરો રોમાંચ જગવશે. ‘સિંધુડો'ની કાનૂનભંગ આવૃત્તિ (1932) અને આ સુવર્ણજયંતી પુસ્તિકા એ બેઉનાં નિવેદન લખવાનું મારે ભાગે આવ્યું એ પણ એક પ્રસન્નતાદાયક સુયોગ છે.

ધોલેરા સત્યાગ્રહ સૈનિક સંઘ સુવર્ણ જયંતીઃ 5-6 એપ્રિલ 1980
વજુભાઈ શાહ
 

[આવૃત્તિ 4]

1980માં સવિનય કાનૂનભંગ લડતની સુવર્ણ જયંતી નિમિત્તે ‘સિંધુડો’ની આવૃત્તિ બહાર પડેલી. મૂળ આવૃત્તિમાં જે પંદર ગીતો હતાં એ અહીં ક્રમ 1-14 ને 26 પર જોવા મળશે. પ્રજાએ હોંશેહોંશે ગાયેલાં ને ઝીલેલાં વધુ અગિયાર શૌર્યગીતો અને ગાંધીગીતો ઉમેરાઈને હવે આજે એક્યાશીમા પર્વે ‘સિંધુડો’ સંવર્ધિત અવતારે આવે છે.

2011
જયંત મેઘાણી