આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૦:સ્નેહસૃષ્ટિ
 


‘ગમે તે પુરુષનો, ગમે ત્યારે હાથ પકડવો… એ રીત મને ગમતી નથી.’

‘રાવબહાદુરે અને યશોદાબહેને આપણને સાથે ફરવાની છૂટ આપી એનો અર્થ તું સમજે છે ?’ મધુકરે કહ્યું.

‘એનો અર્થ એટલો જ કે એ તને સારો માણસ માને છે.’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘એટલે તારી સાથે ફરવાની મારામાં પાત્રતા છે એટલું તો તારાં માતાપિતાના મનમાં નક્કી થઈ ગયું, ખરું જ ને ?’

‘હા; અને એ માન્યતા સાચી પાડવી એ તારા હાથમાં છે.’

‘જે હાથને તું તરછોડી કાઢે છે… જ્યોત્સ્ના ! હવે સમજ કે મને તારી સાથે આવવા દેવામાં તારાં માતાપિતાનો કયો ગૂઢ ઉદ્દેશ રહેલો હશે તે.’

‘મને ગમે ત્યાં સુધી તું મારી સાથે ફરે એ ઉદ્દેશ; બીજું શું ?’

‘એથી વધારે બીજું કાંઈ જ નહિ ?’ મધુકરે આશ્ચર્ય દર્શાવતાં પૂછ્યું.

‘એથી વધારે તું જાણતો હોય તો કહે.’ જ્યોત્સ્નાએ વાત ટૂંકાવવા કહ્યું.

‘એનો અર્થ તને ગમે એવો છે. તારાં માતાપિતા ઇચ્છે છે કે તું જલદી યોગ્ય યુવાનને પરણી જા.’ યોગ્ય શબ્દો ઉપર યોગ્ય ભાર મૂકી મધુકરે કહ્યું.

‘દીકરીનાં માબાપની એ સતત ઈચ્છા હોય છે.’ જાણે એ અર્થમાં કંઈ મહત્ત્વ ન હોય એમ જ્યોત્સ્નાએ જવાબ આપ્યો.

‘અને તે કોની સાથે તે કહું ?’ ઊર્મિલતા દર્શાવી મધુકરે કહ્યું.

‘જરૂર.’ જ્યોત્સ્ના નમ્ર બનતી લાગી.

પોતાનો હુમલો આ મોરચે સફળ થશે એમ ધારી જરા નાટકી ઢબે જ્યોત્સ્નાનો હાથ ખેંચી, પકડી, હલાવી મધુકરે કહ્યું :

‘તો હાથ મિલાવ, જ્યોત્સ્ના ! તારાં માબાપ ઇચ્છે છે કે તારાં લગ્ન મારી સાથે થાય.’

જ્યોત્સ્ના મધુકરના હાથમાં હાથ રહેવા દઈ જરા હસી અને મધુકરની પાછળ નજર નાખી તેણે હસતે હસતે કહ્યું :

‘હલો, શ્રીલતા ! તું ક્યાંથી ?’