આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચિત્રપટ : ૧૦૯
 

ઉપર તો આધાર ન જ રાખે. અને ઊથલપાથલ તો સામ્યવાદ નહિ કરે તો બીજા કોઈ કરશે. એટલે મારા વાદને તો તું આગળ કરીશ જ નહિ, પરંતુ અત્યારે તો હું ન આવી શકું એવી સ્થિતિ છે.’

‘અમે બન્ને લેવા આવીએ તોય તમારી ના જ હોય !’ જ્યોત્સ્નાએ જરા રીસ ચડાવી કહ્યું.

‘મારે થોડું અગત્યનું કામ છે… એ પૂરું થશે તો હું જરૂર તને થિયેટર ઉપર મળીશ.’ સુરેન્દ્રે કહ્યું.

‘પરંતુ અમારી સાથે તો તું ન જ આવે, ખરું ને ?’ જ્યોત્સ્ના બોલી

‘જ્યોત્સ્ના ! મને આજ માફ કર.’ સુરેન્દ્રે કહ્યું.

‘તો હું અને મધુકર બન્ને જઈએ છીએ… ચાલ મધુકર !’ કહી જ્યોત્સ્નાએ આગ્રહનો અંત આણ્યો અને પાછા ફરી ચાલવા માંડ્યું.

સુરેન્દ્ર જ્યોત્સ્નાને જરા જોઈ રહ્યો… એ મધુકરે પણ પાછળ ફરી જોયું… અને તેની આંખો હસી રહી… જાણે તેણે સુરેન્દ્ર ઉપર વિજય મેળવ્યો ન હોય !

આવજો કહેવાની રાહ જોયા વગર સુરેન્દ્ર પાસેથી ચાલી ગયેલી જ્યોત્સ્ના અને મધુકર નાટ્યગૃહ પાસે આવી ઊતર્યા.

આવતા બરોબર જ્યોત્સ્નાએ બે ટિકિટો ખરીદ કરી અને બે એકાંત ખુરશીઓ ઉપર આવી બન્ને જણ બેઠાં. તેમના બેસતા બરોબર જ ગૃહમાં અંધકાર ફેલાયો અને પડદા ઉપરના પ્રકાશમાં ચિત્ર, ચિત્રના લેખક, ચિત્રના સર્જક, ચિત્રના દિગ્દર્શક, ચિત્રના ચિત્રકાર, વસ્ત્રકાર, નાયક, નાયિકા, સંગીતદિગ્દર્શક, પ્રત્યેકના મદદનીશ અને એવાં પાર વગરનાં નામની પરંપરા ધ્રૂજવા લાગી.

‘આ ચિત્ર જોવાનું તેં કેમ પસંદ કર્યું ?’ મધુકરે બહુ જ ધીમેથી પૂછ્યું. સિનેમાગૃહમાં પાસે બેઠેલા પ્રેક્ષકોને હરકત ન થાય એમ વાત કરવાની છૂટ છે.

‘મારે આ ઢબનું એક ગુજરાતી નાટ્ય કરવું છે.’ જ્યોત્સ્નાએ જવાબ આપ્યો.

‘તારે ? શા માટે ?’

‘નગર અને ગ્રામજીવનના તફાવતો આ ચિત્રમાં બહુ જ સુંદર રીતે આપ્યા છે. નગરનિવાસી ધનિક યુવાન એક ભણેલી શહેરી યુવતીને મૂકી ગ્રામયુવતીને કેમ પરણે છે. એનો બહુ રમૂજી પ્રયોગ આ ચિત્રમાં છે. તું પણ ધ્યાન રાખજે… આપણે આપણા નાટકમાં શું શું કરી શકીએ તે બદલ.’