આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪:સ્નેહસૃષ્ટિ
 



‘ચાલો, હું તમને એક નવી રમત રમાડું… એ રમતમાં તમારું ભાવિ પણ સમજાઈ જશે, હોં ! મારી ચિઠ્ઠીઓ સાચી જ પડે છે… જુઓ, મધુકરની સ્વચ્છ સાહેબટોપીમાં હું આ મારી લખેલી અને મંત્રેલી ચિઠ્ઠીઓ નાખું છું… એકેએક ઉપાડી જુઓ… તેમાંથી તમારું ભાવિ તમને જડી આવશે.’

પરાશરે ટોપી સહુની વચમાં મૂકી અને તેમાં પંદર-વીસ ચિઠ્ઠીઓ વાળીને ભેગી કરી મૂકી.

‘ચાલ, યશોધરા ! તું શરૂ કર… પછી મધુકર… ઉપાડો ચિઠ્ઠીઓ.’

રમતો ભાગ્યે જ સાચી હોય; છતાં, રમતો ગમ્મતપ્રેરક હોય છે અને એ ઘણી વાર સૂચક પણ નીવડે છે. યશોધરાએ હસતાં અને શરમાતાં એક ચિઠ્ઠી ટોપીમાંથી ઉપાડી અને વાંચી.

સહુએ પૂછ્યું :

‘શું નામ આવ્યું ?’

‘સીતા.’ યશોધરાએ અર્ધ હાસ્ય અને અર્ધ અણગમાથી કહ્યું. સીતાના આદર્શ ઉપર નિબંધો લખતી અને વ્યાખ્યાનો આપતી યુવતીને સીતાનું જીવન ગમતું હશે કે કેમ એ પ્રશ્ન પૂછવા સરખો છે !

‘ચાલ, મધુકર ! તું ઉપાડ. તારી સફાઈ તને ક્યાં સુધી લઈ જાય છે એ જોઈએ.’ રમત નિયામક પરાશરે હુકમ કર્યો. કોઈના પણ હુકમની કશી જ દરકાર તેને ન હોય એમ મધુકરે લાંબા થઈ બેઠેબેઠે ટોપીમાંથી ચિઠ્ઠી કાઢી પોતે જ ચિઠ્ઠીમાં લખેલું નામ વાંચ્યું :

‘કૃષ્ણ !’

કૃષ્ણના નામ સાથે જ મધુકરની વિજયી મુખમુદ્રા વધારે વિજયી બની. હસતે હસતે પરાશરે કહ્યું :

‘કાંઈ મેળ ન આવ્યો. આ યશોધરાને હજી રામ શોધવા રહ્યા અને કૃષ્ણને રાધા !’ સહુએ હસવું જોઈએ એમ સહુ હસ્યાં. પરાશરે શ્રીલતાને અને નીતીનને ચિઠ્ઠી ઉપાડવાની આજ્ઞા કરી. એક ચિઠ્ઠી યુવતી ઉપાડે અને બીજી ચિઠ્ઠી યુવક ઉપાડે એવો ક્રમ ગોઠવ્યો હતો. યુવતીઓએ કયા રંગની ચિઠ્ઠી ઉપાડવી અને યુવકોએ કયા રંગની એ નિશ્ચિત થઈ ચૂક્યું હતું. શ્રીલતાએ ચિઠ્ઠી ઉપાડી ઉઘાડી, વાંચી અને હસતે હસતે બોલી ઊઠી :

‘મારે તો રાધાનું નામ આવ્યું !’

યશોધરાએ હસીને સામે ટહુકો કર્યો :

‘બરાબર છે… અને રાધા જેવી જ લટકાળી તું તો છે જ ને ?’

ઉજાણીનો ઉદ્દેશ જ ગમતનો ! મોજનો ! અને યુવક યુવતી ભેગાં મળે