આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧
 
પ્રેમના વ્યૂહ
 

અનેક વિચારોમાંથી મધુકરનો એક નિશ્વય દૃઢ થયો : સુરેન્દ્રે એના માર્ગમાંથી દૂર થવું જોઈએ ! જ્યોત્સ્નાને સુરેન્દ્રનો મોહ હતો એ મધુકર સ્પષ્ટ જોઈ શક્યો. એ મોહની પાછળ સુરેન્દ્રની કેટલીક પરોપકારી દેખાતી પ્રવૃત્તિ કારણરૂપ હતી, ગરીબોની કાળજીનો સુરેન્દ્રનો દેખાવ કારણરૂપ હતો. અને વારંવાર સુરેન્દ્ર દ્વારા આગળ કરવામાં આવતી સેવાભાવના પણ કારણરૂપ હતી. જે જાતે ગરીબ ન હોય એને ગરીબોની સેવામાં કોઈ મહાકાવ્ય દેખાય છે, જેને કોઈનાયે ઉપકારની જરૂર ન હોય એને પરોપકાર એક સાહસ સરખું ગમે છે, જેને કોઈનીયે સેવા કરવી પડતી ન હોય તેને સેવાભાવના એક નવલકથા સરખી મોહક લાગે છે. જ્યોત્સ્ના સુરેન્દ્રને નહિ પરંતુ સુરેન્દ્રની સેવાભાવનાને મોહી પડી હતી એની મધુકરને ખાતરી હતી. રૂપગર્વિતા ભાવગર્વિત પુરુષને નમી પડે છે.

નહિ તો સુરેન્દ્ર કરતાં મધુકર ઓછો દેખાવડો ન હતો. પહેરવા ઓઢવાનું તો સુરેન્દ્રને ભાન જ ન હતું. જ્યારે મધુકરનાં વસ્ત્રો અને મધુકરની ટાપટીપ એ મધુકરનું મુખ્ય આકર્ષણ હતું. બનતાં સુધી યુવક યુવતીને જોઈ રહે, યુવતી યુવકને જોઈ રહે એ લગભગ અશક્ય ગણાય. છતાં... મધુકર જાણતો હતો કે સંખ્યાબંધ યુવતીઓ તેને જોઈ રહેતી !..એટલું જ નહિ, પરંતુ એનો પરિચય પણ માગતી હતી. એકલો પરિચય જ નહિ... પરંતુ પ્રેમ પણ ! કેટકેટલી યુવતીઓનાં નામ તે ગણાવી શકે ? ને જ્યોત્સ્નાએ ગણાવ્યાં પણ હતાં... કેટલાંક.

અને આ વિચિત્ર માનવ જગતમાં કેટકેટલી યુવતીઓને પ્રેમ આપવો પડે છે?... અને કેટકેટલી યુવતીઓ પાસેથી પ્રેમ પાછો ખેંચવી લેવો પડે છે ? એની છેલ્લી પ્રેમસંમતિ શ્રીલતાની ! સરસ છોકરી ! દેખાવડી ચબરાક, ભણેલી, પરંતુ વધારે જિદ્દી ! વધારે ચોંટે એવી; Possessive વળગે તો છોડે નહિ એવી ! એની સાથે લગ્ન થાય તો કોણ જાણે કેટલોયે જુલમ એ છોકરી કરે ! જેમ જેમ એનો સંબંધ વધતો જાય તેમ તેમ એ જાણે વધારે બંધનો બાંધવા મથતી હોય એમ મધુકરને લાગ્યા કરતું હતું... અને