આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૦:સ્નેહસૃષ્ટિ
 

ને તો જ એ આવે; આવી તો શર્ત છે સંધ્યાબહેનની !' જ્યોત્સ્નાએ પોતાની મુશ્કેલી રજૂ કરી.

'પાંચ બાળકોની મા થઈ તોય સંધ્યાને હજી ગરબે ઘૂમવાનું મન ઘટતું નથી. એનો તે કાંઈ અવાજ છે ? એ તો ગાય છે કે ચિચિયારી પાડે છે ?'

'એ જે હોય તે!... ઉપરાંત એમને તો અભિનય સાથે ગરબો યોજવો છે!'

'શું આ બૈરાં ગરબા અંગે ઘેલછાએ ચઢે છે ? થડ જેવું તો શરીર બની ગયું છે અને હજી એને નાચવું છે !' મધુકર બોલ્યો. અણગમતા માણસોને વખોડવામાં પણ ઠીક મઝા આવે છે ! પરંતુ સંધ્યાના દેહની મશ્કરીમાં જ્યોત્સ્નાને રસ હોય એમ લાગ્યું નહિ. સ્ત્રીઓનાં દેહપરિવર્તન અને રૂપપરિવર્તન તો થયા જ કરે છે; ગંભીર સ્ત્રીઓને એમાં હસવું ગમતું નથી.

'પણ હવે એનો નિકાલ શો લાવવો?' જ્યોત્સ્નાએ પૂછ્યું.

'આ શ્રીલતા શું કહે છે? વાતચીતમાં જરા રસ બતાવ્યા વગર મુખ ફેરવી બેઠેલી શ્રીલતાને જરા સારું લગાડવા મધુકરે પૂછ્યું.

'મારું નામ ન લેઈશ, મધુકર ! મારે અને તારે કોઈ લેવાદેવા નથી.' શ્રીલતાએ છણકાઈને કહ્યું.

'એની સાથે તું પરણે નહિ ત્યાં સુધી એ તારી સાથે બોલવાની નથી!' જ્યોત્સ્નાએ જરા હસી મધુકરને કહ્યું.

'પરણે છે મારો દૈવ!... હવે તો તું એને પરણે તો ખરું!' કહી શ્રીલતા ઊભી થઈ.

'કેમ ? જાય છે? જરા બેસને ?' જ્યોત્સ્નાએ કહ્યું.

'ના રે ! તમારા બેની વચમાં હું આવવા માગતી નથી... તમારા બેમાંથી કોઈનું લગ્ન થાય તો મને બોલાવજો.... હું આવીશ. નાટ્યપ્રયોગમાં તો મધુકરે મને નપાસ કરી... ચાલ.. હવે હું જાઉં છું કહી શ્રીલતા દમામથી ચાલી ગઈ.

જ્યોત્સ્નાએ જરા સ્મિત કર્યું. મધુકર ક્ષણભર સંકોચ પામ્યો.