આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૦:સ્નેહસૃષ્ટિ
 


‘હું ખાતરી આપું છું કે મધુકર જ્યોત્સ્નાને ગમે છે. સ્ત્રીઓની આંખ સ્ત્રીઓ જ વાંચી શકે.’ યશોદાગૌરીએ પોતાનો અનુભવ કહ્યો.

‘મને સહજ ડર હતો પેલા સુરેન્દ્રનો… પણ એ તો આજે વિદાય થયો… જ્યોત્સ્નાની જ મરજીથી… હવે મધુકર માટે મને આશા ખરી.’ રાવબહાદુરે કહ્યું. ‘બાળકો ધારતાં નહિ હોય એટલી કાળજીથી વડીલો તેમના પ્રેમજીવન ઉપર નજર નાખી રહે છે !’

‘સુરેન્દ્રમાં તે શું બળ્યું છે ?… નર્યો સૂમડા જેવો… નમસ્કાર સિવાય એને બીજું કાંઈ આવડતું લાગતું જ નથી…’

‘યાદ છે તને પેલો… યશવંત ?… આખી દુનિયા એને સૂમડો માનતી… છતાં… તને એનું કેટલું ઘેલું લાગ્યું હતું તે ?… એ પરણી ગયો ન હોત તો… તું મને પરણવાની ન હતી !… યાદ છે ને ?’

‘બળી તમારી યાદ ! મૂકો ને નાનપણની વાતો ! બધી ઘેલછાના કંડિયા આજ ખોલવા નથી… અને સુરેન્દ્ર તો હવે ગયો જ છે ને ? હું આજ જ્યોત્સ્ના પાછી આવે એટલે એને પૂછી જોઉ છું.’

‘શું ?’

‘કે મધુકર એને ગમે છે કે નહિ.’

‘એ ના કહેશે તો ?’

‘શા માટે એ ના કહે ? એ જેને ન ગમે એને આંખ નહિ ! આટલો દેખાવડો, ચબરાક, ભણેલો…’

‘પરંતુ આપણી સંપત્તિ અને એની ગરીબીનો મેળ પડશે ખરો ?’

‘આંખને જે માનવી ગમે એની સંપત્તિ જોવાની છોકરીઓને ફુરસદ હોતી નથી… અને પછી તો આપણી સંપત્તિ એની જ બનશે ને ?’

‘કદાચ… આપણો પગાર પામતા પુરુષને જ્યોત્સ્ના પસંદ ના પણ કરે.’

‘એ આપણા હાથની વાત છે. એને નોકર મટાડી દઈએ… જો એ જ્યોત્સ્ના સાથે લગ્નની હા પાડે તો.’ યશોદાબહેને રસ્તો બતાવ્યો.

‘કદાચ… મધુકર તો હા પાડશે જ. પરંતુ જ્યોત્સ્ના ના કહે તો ?’

‘એને હું સમજાવીશ… અને જુઓ… મધુકરને વધારે ભણવા માટે વિલાયત-અમેરિકા મોકલીએ તો વળી એની કિંમત ઘણી વધી જાય… જ્યોત્સ્નાની આંખમાં.’ બુદ્ધિમાન યશોદાગૌરીએ લગ્નબજારની તેજીમંદીનું અજબ જ્ઞાન દર્શાવતાં કહ્યું.

અને સર્વથા વિજય પામીને શિથિલ બની ગયેલા રાવબહાદુરે આ