આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૦:સ્નેહસૃષ્ટિ
 


એના મત પ્રમાણે…’

‘એટલે ?’

‘એટલે એમ કે… માનવીની ઊંચાઈનું માપ પાંચ ફૂટ નક્કી કર્યું તો પાંચ ફૂટ ઉપરાંતનાં એક કે બે ઈંચવાળાંનાં પગ એટલાં કાપી નાખવા.’

‘અને છ ફૂટ હોય તો…’

‘ગરદન પણ કાપી નાખે !’

‘અને પાંચ ફૂટથી ઓછાં હોય તો ?’

‘તો જતરડામાં ઘાલી ખેંચી તાણી એટલા માપમાં લાવવાં જ જોઈએ !’

‘એ માપ ઠરાવે કોણ ?’

સહજ તિરસ્કારભર્યું હસી મધુકરે કહ્યું :

‘સરમુખત્યાર… જે સત્તાધારી હોય તે.’

‘આ તો ક્રૂરતા કહેવાય… અન્યાય કહેવાય.’

‘તો સમજી લે, જ્યોત્સના ! કે આખો સામ્યવાદ ક્રૂરતા અને અન્યાય ઉપર જ રચાયેલો છે… ન્યાય નહિ, ધર્મ નહિ, લગ્ન નહિ…’

‘લગ્ન તો સામ્યવાદમાં હોય છે.’

‘નહિ જેવાં.’

‘પણ એ તો સારું ને ?’

‘શી રીતે ?’

‘ફાવે અને ગમે ત્યાં સુધી લગ્ન… ન ફાવે કે ન ગમે એટલે ઝટ છૂટાં !’

‘એનું નામ તે લગ્ન કહેવાય ? જેમાં પ્રેમ નહિ, આત્મભોગ નહિ…’

‘આપણે લગ્ન પહેલાં જે કરીએ છીએ તે સામ્યવાદ લગ્ન પછી પણ કરવા દે છે… એટલો જ ફેર ને ?’

‘શું કહે છે તું ? આપણે લગ્ન પહેલાં આવું કશું જ કરી શકતાં નથી.’

‘કેમ એમ ? યશોધરા અને મીનાક્ષીને બાજુએ મૂકીએ, પરંતુ શ્રીલતા અને તું પરસ્પરને ચાહતાં જ હતાં ને ?’

‘શ્રીલતા જૂઠી છે.’

‘એ જૂઠી હોય કે સાચી. પરંતુ… તેં આપેલી વીંટી…’

‘અરે જ્યોત્સના ! તારા જ સોગન ખાઈને કહું છું કે એ વીંટી તો એણે ચોરી લીધેલી છે… હવે એનો આમ ઉપયોગ કરવા માગે છે… એ હું કેમ ચાલવા દઉં ? આવી શિરજોરી ?’

‘વીંટી તારી આંગળીમાંથી એણે ચોરી શી રીતે લીધી ?’