આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આંખના અંગાર: ૧૮૧
 


મુખ્યત્વે સ્ત્રી - પ્રવેશ કરે એટલે ઓછામાં ઓછા એક કલાક સુધી એમને દુનિયામાંથી ગુમ થયેલાં જ ગણી લેવાનાં ! ધરતીકંપ થાય. જ્વાલામુખી સળગી ઊઠે. ઍટમ બૉમ્બ પડે અગર રાજકીય ઊથલપાથલ થાય તોય સ્નાનાગારમાં પ્રવેશ પામેલી સ્ત્રી સ્નાનવિધિ, દેહશૃંગાર અને મુખશૃંગાર પણ કર્યા સિવાય સ્નાનાગારનું બારણું કદી ખોલી શકે જ નહિ. કોઈ આજના ચિત્રકારને સ્નાનમગ્ન સુંદરીનું ચિત્ર ચીતરવું હોય તો એણે નદીકિનારે જ જવું પડે ! અને પૈસા આપી ગમે તે સ્ત્રીને પાણીમાં ઝબકોળવી પડે ! પ્રાચીન - એટલે પચીસ-પચાસ વર્ષ પહેલાં જેમ બનતું તેમ આજ ભાગ્યે જ કોઈ પણ ગૃહ સ્નાનામગ્ન સુંદરી માટેનું ‘મોડેલ’ પૂરું પાડે ! પહેલાં તો પ્રત્યેક ચોક અને ઓટલા સ્નાનશોભિત સુંદરીને પ્રગટ કરતા !

કલાક સુધી થોભવાની મધુકરની તૈયારી હતી. પરંતુ પાંજરાપોળમાં પશુઔષધાલય ખોલવાના ઉત્સવપ્રસંગે પ્રમુખસ્થાનેથી રાવબહાદુરે કરવાના વ્યાખ્યાન માટે ભારતીય પશુઓનો છેલ્લામાં છેલ્લો આંકડો સેક્રેટરી તરીકે મધુકરે મેળવવાનો હતો. એ નક્કી કરવા માટે રાવબહાદુરે જ તેને બોલાવ્યો, એટલે અત્યારે જ્યોત્સ્નાને મળવાની તક મુલતવી રાખવી પડી.

અને સાંજે તો અપાયેલા આમંત્રણ અનુસાર પોતાનાં માતાપિતાની સાથે મધુકર રાવબહાદુરને બંગલે આવી જ પહોંચ્યો ! રાવબહાદુરની કાર વાપરવાની તેણે ના પાડી હતી. રાવબહાદુરને અંગે થયેલાં અનેક ઓળખાણોમાંથી ક્વચિત્ કારનો ઉપયોગ કરવાની ઉદારતા દર્શાવે એવાં થયેલાં ઓળખાણે તેને આજની સાંજ સુધી એ કાર આપી હતી. જમાઈની પરિસ્થિતિમાં ઝડપથી પહોંચી જવાની તાલાવેલી રાખનાર યુવકે ભાવિ શ્વસુરગૃહની તાત્કાલિક પરવા ઘટાડી નાખવાનો દેખાવ કરવો જોઈએ !

રાવબહાદુરે અને યશોદાબહેને મધુકરનાં માતાપિતાનું ખૂબ સન્માન કર્યું. બાગ, બંગલા, ફરનિચર અને ગૃહશૃંગારની પ્રથમ ચમકથી અંજાઈ ગયેલાં મધુકરનાં માતાપિતાનો પ્રાથમિક સંકોચ દૂર થયો. જ્યોત્સ્નાએ આવી વગર બોલ્યે ચાની વ્યવસ્થા કરી દીધી. યશોદાબહેને મધુકરની આવડત તથા ચબરાકીનાં વખાણ કરી જાણે એ એક કુટુંબી જ બની ગયો હોય એમ જાહેરાત કરી. મધુકરનાં માતાએ મધુકરની પ્રશંસા માન્ય રાખી, ઉપરાંત રાવબહાદુરના આખા કુટુંબની પ્રશંસા કરતાં જણાવ્યું કે :

‘મધુકર તો આ તમારી દીકરીનાં વખાણ કરતાં થાકતો જ નથી… અને… ઘરમાં બીજી વાત જ નહિ… જ્યોત્સ્નાબહેન, જ્યોત્સ્નાબહેન.