આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૮:સ્નેહસૃષ્ટિ
 

 'જ્યોત્સ્ના ! આ તો... તારી કિંમત ચૂકવાય છે ? શ્રીલતા બોલી.

'મારી ? કે મારા પ્રેમીની ?' જ્યોત્સ્નાએ પ્રશ્ન કર્યો. પ્રશ્ન કરતાં તેની આંખ કાંઈ રમત રમી રહી.

'પ્રેમીની કિંમત - તો નક્કી થઈ ચૂકી.' શ્રીલતાએ કહ્યું. જરા રહી હસી તેણે ફરી પૂછ્યું :

'કેટલી કિંમત ?'

'તેં સાંભળ્યું નહિ પિતાજીએ શું કહ્યું તે ? કન્યા આપો, ઘર આપો...'

'એ સાંભળ્યું. પરંતુ એટલેથી પતશે ? એ તો માતા-પિતાએ માગેલી કિંમત !'

'બીજા કોની કિંમત બાકી રહી ?'

'પરણ્યાની કિંમત... એ વળી જુદી જ હોય ને ?'

'પરણ્યો માગશે તે કિંમતમાં હું જ હોઈશ ને ?' જ્યોત્સ્ના બોલી. સખીઓની વાતચીત મર્યાદાને છેલ્લે કિનારે જ ફરતી રહે છે - ગમે એવી ડાહીડમરી ગંભીર સખીઓ હોય તોય !

'એટલેથી નહિ થાય, જોજે ! એની કિંમત વધ્યે જ જવાની.' શ્રીલતા બોલી.

‘ત્યારે.... લગ્ન.... એટલે લોહીનો જ વ્યાપાર ! નહિ ?'

'એ તારે જે કહેવું અને માનવું હોય તે ખરું... પરંતુ સભ્ય લગ્નોમાં પણ વ્યાપાર નહિ હોય એમ ન માનીશ.'

'વ્યાપારમાં તો સ્ત્રીઓ વેચાય. તું તો પુરુષની કિંમત માગે છે. પુરુષો પણ વેચાતા મળે શું ?'

‘એ તો અર્થશાસ્ત્રનો સિદ્ધાંત જ છે... જેવી માંગ અને જેવો પુરવઠો! મધુકરે મને બેત્રણ વાર એ સિદ્ધાંત સમજાવ્યો હતો. અને... મધુકર એનું નવું દૃષ્ટાંત !' શ્રીલતાએ સમજણ પાડી.

'એટલે... પુરુષોની પણ કિંમત લગ્નમાં ચૂકવવી પડે ખરી !.. સ્ત્રીએ !... માત્ર દેહમાં જ નહિ, દામમાં પણ !' જ્યોત્સ્નાએ વૈખરીમાં વિચારને ઉતાર્યો.

‘કોમવાદ ગયો એમ માની આપણે રાજી થઈએ છીએ.. નહિ ?... છતાં ઘણીયે કોમો હજી ગુજરાતમાં જીવતી જાગતી અને ઝૂઝતી છે, જેમાં પુરુષના ભણતર પાછળ, પુરુષની સમૃદ્ધિ પાછળ, પુરુષની મોટાઈ પાછળ કોઈ સ્ત્રીના જ - અરે, એની પત્નીના જ પૈસા હોય છે.... તું અસંતોષ ન કરીશ.. પુરુષની કિંમત આપવામાં તું એકલી જ નહિ હો.'